સંશોધનનાં આંકડા બતાવે છે કે આજે ભારતમાં દર એક કલાકે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. આપણા દેશમાં છેલ્લા પાંચ દસકામાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આજની પેઢીમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આપણા પૂર્વજો – અગાઉની પેઢી પ્રમાણમાં વધુ સમતાવાન હતા. હવે, જીવન ખૂબ આરામદાયક બની ગયું છે. જે ઈચ્છા કરો તે તરત મળી જાય છે. જે હતાશા (ડિપ્રેશન )વધારે છે. આપણી ઇચ્છાઓને પૂર્ણ કરવા આપણે ખાસ પ્રયત્ન કે પરિશ્રમ કરવો નથી પડતો. ગમતી વસ્તુઓ તમને સરળતાથી મળી જાય છે.તેથી તમારું મન ભટકે છે.
મનને સતત કંઈ ને કંઈ કરવાની વૃત્તિ હોય છે. આપણે જ્યારે કોઈ શારીરિક પ્રવૃત્તિ જેવી કે કસરત કે વ્યાયામ કરતા હોઈએ અથવા દોડવા જઇએ ત્યારે મન શાંત હોય છે. કામ કરતું નથી હોતું. પરંતુ જો નવરા બેઠાં સોશિયલ મિડિયા જોયા કરીએ તો મન સતત દોડતું રહે છે. અને એ જ આપણને હતાશા (ડિપ્રેશન) તરફ લઈ દોરી જય છે.
હતાશા આવે છે ક્યાંથી?
- ઊર્જાનો અભાવ: જ્યારે તમારી ઊર્જાનું સ્તર નીચું હોય છે, ત્યારે હતાશા (ડિપ્રેશન) આવે છે. જ્યારે ઊર્જાનું સ્તર નોર્મલ હોય ત્યારે બધું નોર્મલ લાગે છે. ઊર્જાનું સ્તર નીચું જાય એટલે તમને કશામાં રસ નથી પડતો અને તમે હતાશા(ડિપ્રેશન)માં આવી જાવ છો. ઉર્જાનું સ્તર હજુ પણ સાવ નીચું જાય તો તમે કશું પણ કરવાની ઇચ્છાશક્તિ જ ગુમાવી દો છો.
- મારું શું થશે? સાવ નવરા બેઠાં એજ વિચાર્યા કરવું. કે મારું શું થશે? મારું શું થશે? આ તો હતાશા (ડિપ્રેશન)માં જવાનો સીધો રસ્તો છે. તમે નવરા બેસી રહો અને ફક્ત તમારા માટે જ વિચાર્યા કરો. કે મારું શું થશે? મારી સાથે શું બનશે? મારી સાથે શું થશે?તમારી સાથે શું થવાનું છે? એક દિવસ ધરતીમાં કાયમ માટે આડા થઈ સૂઈ જવાનું છે!
- કશાની કદર ન કરવી: આપણને જ્યારે કશામાં રસ ન હોય ત્યારે આપણને કંટાળો આવવા લાગે છે, જે હતાશા (ડિપ્રેશન) તરફ લઈ જાય છે. જીવનમાં જો તમને કોઈ વસ્તુ કે વ્યક્તિની કદર ન હોય, આદર ના હોય, તો તમે નકારાત્મકતાથી ભરાઈ જાવ છો. જે વ્યક્તિનાં જીવનમાં કોઈ પૂજનીય કે આદરણીય નથી, એના માટે હતાશા (ડિપ્રેશન) નિશ્ચિત છે.
- કુંઠિત સમજણશક્તિ: હતાશા એ જીવનની કુંઠિત થઈ ગયેલી સમજણશક્તિની નિશાની છે. જ્યારે તમને જીવનમાં બધું જ નિષ્પ્રાણ લાગે, કુંઠિત ,આગળ કશું નથી, કશે જવાનું નથી, આવી અવસ્થા હતાશા (ડિપ્રેશન )લાવે છે.
હતાશા માંથી બહાર કંઈ રીતે નીકળવું?
- તમારી અંદરના શૌર્યને જગાડો: સૌ પ્રથમ તમારી ભીતર વીરતાનું આહ્ વાન કરો. ભૂતકાળમાં નજર નાખો, અને જોવો કે ભૂતકાળમાં પણ કેટલીય સમસ્યાઓ આવી હતી, જેમાંથી આપણે બહાર આવ્યા હતાં. અને જાણી લો કે આમાંથી પણ તમે ચોક્કસ બહાર આવી શકો છો.
- તમારા દ્દૃષ્ટિકોણને વિશાળ કરો: મોટી સમસ્યાઓ તરફ ધ્યાન લઈ જાવ. જોવો, દુનિયામાં કેટલી મોટી મોટી સમસ્યાઓ છે. તમારી સમસ્યાઓ નાની લાગશે. જેવી તમને તમારી સમસ્યાઓ નાની લાગશે કે તમને તમારી સમસ્યાનો ઉકેલ લાવવાની શક્તિ અને આત્મવિશ્વાસ મળી જશે.
“સુખ” ની રેખા! એક વાર એક શાણા માણસે બોર્ડ પર એક રેખા દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે તેને સ્પર્શ કર્યા વગર કે ભુસ્યા વગર તે રેખાને નાની કરો. તમે તે કેવી રીતે કરી શકો? તમારે એક રેખાને અડ્યા વગર ટૂંકી કરવાની છે. એક હોશિયાર વિદ્યાર્થીએ ત્યારે નીચે તે રેખાથી ઘણી લાંબી રેખા દોરી. અને પેલી રેખા આપોઆપ જ નાની થઈ ગઈ. વાતનો સારાંશ એ છે કે, જો તમને તમારી સમસ્યા ખૂબ મોટી લાગતી હોય તો આંખ ઊંચી કરીને બીજે દૃષ્ટિ કરો. કારણકે તમારું હાલમાં ધ્યાન ફક્ત તમારા પર જ છે. જો તમે આંખ ઊઠાવીને મુશ્કેલીમાં મુકાઇ ગયેલા લોકો તરફ જોશો, તો તમને અચાનક ખ્યાલ આવશે કે તમારી સમસ્યા એટલી મોટી નથી જ જેટલું તમે વિચારતા હતા. જો તમને એમ લાગતું હોય કે મારી સમસ્યા બહુ જ મોટી છે, એવા લોકો તરફ દ્રષ્ટિ લઈ જાવ જેમના જીવનમાં તમારાથીએ વિશાળ સમસ્યા છે. અચાનક જ તમારો આત્મવિ્શ્વાસ વધશે કે મારી સમસ્યા તો ઘણી નાની છે, હું તેને આસાનીથી ઉકેલી શકું એમ છું.
- સેવા આપવા માટે પ્રતિબદ્ધ થાવ: હવે વધુ એક પગલું આગળ વધો. તમારી ઉર્જાને કોઈ ઉપયોગી થાય એવી વસ્તુ પર કેન્દ્રિત કરો. જીવનમાં કોઈ હેતુ શોધો. સૌથી અર્થપુર્ણ બાબત એ છે કે સુખની પાછળ દોડવાના બદલે લોકોનાં જીવનમાં સુખ લાવવા પ્રયત્નશીલ રહો. જરૂરિયાતમંદોની સેવા કરો. જ્યારે તમે બીજાઓ માટે કંઈ કરવાના ભાવ સાથે મદદરૂપ થવા પ્રતિબદ્ધ થાવ છો, તમારી સમસ્યાઓ નાની થઈ જાય છે. તમે જો આંખો દિવસ તમારા વિશે જ વિચારતા હો, તો તમારી સમસ્યા કદી હલ નહિ થઈ શકે. પરંતુ તમે જરા ખીલી ને જુવો કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, તો ખ્યાલ આવશે કે તમે એકલા જ તકલીફમાં નથી.
- તમારા મનને મજબૂત બનાવો: તમારા મનની શક્તિ પર વિશ્વાસ રાખો. “જેવું વાવો તેવું લણો”. તમારી ચેતનામાં સકારાત્મકતા નાં બીજ રોપો. જેથી તમારું મન નકારાત્મકતા કરતાં સકારાત્મકતાને વધુ આકર્ષિત કરે.
- તમારી ઉર્જાના સ્તરને વધારો: તમે ઊર્જાવાન બનવા કોઈને દવા આપી શકો, પણ તે કેટલો સમય કામ કરશે? દવા એ કંઈ સમસ્યાનો કાયમી ઉકેલ નથી. તમે બીજું શું કરી શકો છો? તમે યોગ્ય ખોરાક, થોડો વ્યાયામ, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા, ધ્યાન જેવી પ્રક્રિયા દ્વારા તમારી અંદર પ્રાણઊર્જાને વધારી શકો છો. આ બધી જ પ્રવૃત્તિ તમારા ઊર્જાના સ્તરને ઉપર લાવશે. ધ્યાન તમને આનંદિત રાખવામાં મદદ કરે છે અને તે તમારી બુદ્ધિને તિક્ષ્ણ બનાવે છે. તમારી આંતરપ્રજ્ઞા એટલે કે છઠ્ઠી ઈન્દ્રિયને ઉજાગર કરે છે. તે તમને પૂર્ણ જાગૃતિ સાથે વર્તમાન ક્ષણમાં જીવતા શીખવાડે છે અને ભૂતકાળ ની ઘટનાઓના ભાર થી મુક્ત કરે છે. જ્યારે ઉર્જાનું સ્તર ઊંચું હોય છે ત્યારે તમે વધુ આનંદિત રહો છો. જ્યારે ધ્યાન કરીને ઉઠો ત્યારે એકદમ આનંદિત અનુભવો છો. સમાધિ, ધ્યાન એટલે જ અતિ મહત્વનું છે.
- હંમેશાં સહજ રહો સહજતા ત્યારે જ આવશે જ્યારે તમે થોડો સમય કાઢીને ધ્યાન દ્વારા તમારી ભીતર ઊંડા ઉતારશો. જ્યારે જીવનમાં બધી પરિસ્થિતિ અનુકૂળ હોય, જીવન આપણી મરજી મુજબ ચાલતું હોય, ત્યારે તમે ચહેરા પર સ્મિત રાખો તો શું નવાઈ છે? પણ જો તમે તમારી ભીતર એક શોર્ય જગાવીને હિંમતથી એમ કહી શકો કે જે થવું હોય તે થાય, પણ હું કોઈ પણ સંજોગોમાં હસતો જ રહીશ, ખુશ રહીશ. તો તમે તમારી અંદર અપાર ઊર્જા અને શક્તિને ઉદ્ ભવતી અનુભવી શકશો. અને સમસ્યા જાણે કંઈ છે જ નહિ, એ તો આવે ને જાય.
- શ્વાસના માધ્યમથી ઊર્જાના સ્તોત્રને ખોલો: આપણા શ્વાસોશ્વાસનો સીધો સંબંધ આપણી લાગણીઓ સાથે છે. આપણી ભીતર ઉદ્ ભવતી અનેક લાગણીઓ અને ભાવનાઓ સાથે શ્વાસમાં એક ચોક્કસ ગતિ અને લય ઉદભવે છે. એટલે જ્યારે આપણી લાગણી અને ભાવનાઓ પર સીધો કાબૂ ના કરી શકીએ, ત્યારે આપણે શ્વાસની મદદથી એ કામ કરી શકીએ. તમે જો નાટક કે થિયેટરમાં કામ કરતા હશો તો તમને ખબર હશે કે જ્યારે ગુસ્સો પ્રદર્શિત કરવાનો હશે તો ડિરેક્ટર તમને ઝડપી શ્વાસ લેવાનું કહેશે.અને શાંતિપૂર્ણ દ્રશ્ય રજૂ કરવાનું હશે તો ધીમા અને હળવા શ્વાસ લેવાનું કહેશે. જો આપણે શ્વાસની લય અને ગતિ વિશે સમજી લઈશું તો આપણું મન આપણા કાબૂમાં હશે. અને ક્રોધ, ઈર્ષા અને લોભ જેવી નકારાત્મક લાગણીઓ પર જીત મેળવી શકીશું. હૃદયપૂર્વક સસ્મિત જીવન જીવી શકીશું. આમાં સુદર્શન ક્રિયા જેવી શ્વાસની પ્રક્રિયા ખરેખર ખૂબ મદદગાર છે. અનેક સંશોધનો દ્વારા એ સાબિત થયું છે સુદર્શન ક્રિયાના નિયમિત અભ્યાસથી તણાવ, ચિંતા અને હતાશામાં ખૂબ ધટાડો થાય છે.
- ઈશ્વરીય શક્તિમાં વિશ્વાસ રાખો: ઘણીવાર આપણે ગુસ્સા કે હતાશામાં કહીએ છીએ કે “મારાથી આ નહી થાય. હું છોડી દઉં છું.” હતાશા કે ગુસ્સો કર્યા વગર કહો કે હું આ સમસ્યાનું નિરાકરણ લાવી નથી શકતો, એટલે એને છોડી રહ્યો છું. હે ઈશ્વરીય શક્તિ, મને મદદ કરો. અને નિશ્ચિત રૂપે ઈશ્વરીય શક્તિ તમારી મદદે આવશે. એટલો વિશ્વાસ રાખજો કે ઈશ્વરીય શક્તિ તમારી મદદે આવશે જ. બ્રહ્માંડની કોઈક શક્તિ તો તમારી મદદ કરવાની જ છે.
સારાંશ
જીવનમાંથી હતાશા (ડિપ્રેશન )દૂર કરી આંતરિક શાંતિની અનુભૂતિ માટે પરિપ્રેક્ષિત અને સક્રિય રીતે બદલાવ લાવવો જરૂરી છે. આપણી દ્રષ્ટિને વિશાળ કરીને તથા દરેક સમસ્યા ક્ષણભંગુર અને અસ્થાયી છે તે સ્વીકારીને આપણે જ્યારે આપણું ધ્યાન પરોપકાર અને બીજાની સેવા તરફ લઈ જઈશું ત્યારે આપણે વધુ ને વધુ આનંદ અને શક્તિનો અનુભવ કરીશું. આ શક્ય કરવા માટે આપણે શ્વાસની પ્રક્રિયા તથા ધ્યાનની શક્તિનો સહારો લેવો જોઈશે.
પછી આપણે જીવનમાં સ્થિતિસ્થાપકતા અને આનંદિત રેહવાની ટેવ કેળવી શકીશું. સંપુર્ણ શ્રદ્ધા રાખી, જાગૃતિપૂર્વક સાહજિક અભિવ્યકિતવાળું જીવન આપણને ખુશહાલી અને સંતોષી જીંદગીનાં માર્ગ પર લઈ જશે.
આર્ટ ઓફ લિવિંગનો હેપીનેસ કોર્સ કરો અને હતાશ (ડિપ્રેશન) દૂર કરી આંતરિક શાંતિની અનુભતિ કરો.
અહી જે પણ કહેવાયું છે તે વ્યવસાયિક તબીબી સલાહ કે નિદાન અથવા સારવારનો વિકલ્પ છે એવું કહેવાનો કોઈ આશય નથી. કોઈ પણ જાતની બિમારી માટે તમારા તબીબ કે ચિકિત્સક અથવા અન્ય આરોગ્ય પ્રદાતાની સલાહ અવશ્ય લો.