ધ્યાન

ધ્યાન એટલે ગહન વિશ્રામ!

ધ્યાન શું છે?

ધ્યાન એટલે સજગતા સાથે ઊંડો આરામ કરવાનો માર્ગ! આપણા મનને શાંત કરીને આપણી‌ અંદરની આનંદની અવસ્થા સાથે જોડાવાનું કૌશલ્ય. ધ્યાન એટલે બધાં જ પ્રયત્ન છોડી ને, કશું જ નહીં કરવાની નાજુક કળા, જેના દ્વારા આપણે પ્રેમ, આનંદ અને શાંતિ સ્વરૂપ આપણા આત્મસ્વભવમાં વિશ્રામ કરીએ. ધ્યાનનો નિયમિત અભ્યાસ આપણને ખૂબ ઊંડો વિશ્રામ આપે છે. વર્તમાન સમયમાં, તણાવ ઓછો કરીને મનની સ્વસ્થતા જાળવવી એ ખૂબ આવશ્યક છે.

ધ્યાન એ ધ્વનિથી નીરવતા સુધીની, હલનચલનથી સ્થિતપ્રજ્ઞતા તરફની યાત્રા છે. ધ્યાન એ આત્માનું ભોજન છે. સંગીત આપણી ભાવનાઓનો ખોરાક છે; જ્ઞાન એ બુદ્ધિનો ખોરાક છે, મનોરંજન એ મનનો ખોરાક છે અને ધ્યાન એ આપણા આત્મા માટેનો ખોરાક છે.

ધ્યાનના ફાયદા અનેક છે - મનની શાંતિ, મનને કેન્દ્રિત કરી શકવાની ક્ષમતા, એકાગ્ર શક્તિ, વિચારો અને લાગણીઓમાં સ્પષ્ટતા, તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં ભાવનાઓનું સંતુલન, શ્રેષ્ઠ વાતચીત કૌશલ્ય, આપણી ભીતર નવી નવી કળાઓ અને પ્રતિભાઓનો આવિષ્કાર, દ્રઢ આંતરિક શક્તિ, સ્વઉપચાર- ઊર્જા, આપણી ભીતર-'સ્વ' સાથે જોડાવાની કળા, વિશ્રામ અને તરોતાજા થવાની ક્ષમતા! અરે! શુભ ભાગ્યને આકર્ષવાની ક્ષમતા પણ ધ્યાન દ્વારા જ મળે છે. તો આ છે નિયમિત ધ્યાન કરવાથી સહજ જ થતા ફાયદાઓ.

  • ધ્યાન કરવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે તે આપણા શરીરની જૈવિક શક્તિ વધારે છે. શું તમે નોંધ્યું છે કે, ક્યારેક આપણે કોઈને મળીએ ને કોઈ અગમ્ય કારણોસર આપણને એમની સાથે વાત કરવી ગમતી નથી. જ્યારે કેટલાક અજાણ્યા લોકો, જેમને આપણે વધુ મળ્યા પણ નથી , તે છતાં તેમની સાથે આત્મીયતા અનુભવીએ છીએ અને એકદમ સહજ હોઈએ છીએ. આનું કારણ છે સકારાત્મક ઊર્જા ની ઉપસ્થિતિ! તો ધ્યાન આપણી આસપાસ આ સકારાત્મક અને આત્મીયતાની ઉર્જા નિષ્પન્ન કરે છે.
  • બીજો ફાયદો એ છે કે તે સ્વાસ્થ્યને સુધારે છે. હાયપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયની બિમારીઓ, ત્વચાની અને ચેતાતંત્રની સમસ્યાઓ તથા અન્ય ઘણી સમસ્યાઓમાં ધ્યાન કેવી રીતે મદદ કરે છે તેના પર હવે ઘણું સંશોધન થઈ રહ્યું છે.
  • ત્રીજું, ધ્યાન આપણા મૂડને અસર કરે છે. આપણને આનંદિત રહેવામાં સહાય કરે છે. ધ્યાન દ્વારા અનેક માનસિક અને શારીરિક રોગોને નિવારી શકાય છે.

આ બધાં સ્વાસ્થ્યના લાભો ઉપરાંત, ધ્યાન આપણી એકાગ્રતામાં પણ સુધારો કરે છે અને વ્યક્તિને વર્તમાન ક્ષણમાં રહેવામાં મદદ કરે છે. આપણે સૌ અનુભવીએ છીએ કે આપણું મન હંમેશા કાં તો ભૂતકાળ કાં તો ભવિષ્ય અંગેના વિચારોમાં જ રમ્યા કરે છે. કાં તો ભૂતકાળ વિશે વિચારીને ગુસ્સો કે ગ્લાનિમાં રહીએ છીએ અથવા ભવિષ્ય વિશે હંમેશા ચિંતા કરતા હોઈએ છીએ. ધ્યાન આપણા મનને ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ઝૂલતું અટકાવી તેને વર્તમાન ક્ષણમાં લાવવામાં મદદ કરે છે.

ધ્યાન શીખવા માંગતા લોકો માટે

ધ્યાન કરવું એ શ્વાસ લેવા અને બહાર કાઢવા જેટલું જ સરળ છે. જેના માટે આપણે કોઈ પર્વત પર જઈ ને જાતને કોઈ બંધનમાં રાખવાની જરૂર નથી. ધ્યાન તો એક એવી ઊર્જાવાન પ્રક્રિયા છે જેને આપણા રોજિંદા જીવનમાં સરળતાથી સમાવિષ્ટ કરી શકાય છે. આપણે અનેક પ્રકારના ધ્યાનમાંથી કોઈપણ પ્રકારનું ધ્યાન પસંદ કરી શકીએ છીએ - સર્વ પ્રકારનાં ધ્યાન, મનને સરળતાથી વર્તમાન ક્ષણમાં રહેવા માટે સહાયરૂપ થાય છે.

ખરું કહું તો, કેટલાય લોકોને પહેલી જ વારનો ધ્યાનનો અનુભવ એટલો અદ્ભુત રહ્યો છે કે શબ્દોમાં વ્યક્ત કરવું જ મુશ્કેલ બને છે. આપણે જ્યારે ધ્યાનની પ્રક્રિયા શીખીને, નિયમીત રીતે ધ્યાન કરતાં થઇએ છીએ, દિવસમાં એક વખત અથવા આદર્શ રીતે તો દિવસમાં બે વાર - ધ્યાન કરીએ છીએ તો આપણી અંદર અને બહાર, નિશ્ચિતપણે એક સકારાત્મક પરિવર્તન અનુભવીએ છીએ. આ પરિવર્તન એટલું સ્પષ્ટ હોય છે કે તમારી આસપાસના લોકોની આંખે ઉડી ને વળગે! તમારી સુંદર ઓરા અને ઉર્જા લોકો ઓળખવા લાગે છે. જીવનને તણાવમુક્ત અને આનંદમય બનાવવા માટે દરેક વ્યક્તિએ દરરોજ થોડી મિનિટો માટે ધ્યાન અવશ્ય કરવું જોઈએ.

પ્રારંભિક અને અડવાન્સડ ધ્યાન કાર્યક્રમો

મારે આ કોર્સ કરવો છે પણ...

મારું મન સર્વત્ર ભટકે છે. ધ્યાન કેવી રીતે કરવું?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: - એક લાકડી લો અને તમારા મનનો પીછો કરો. તે ક્યાં જાય છે તે જુઓ. પીછો કરતા રહો અને તમે જોશો કે તમારું મન એટલું થાકી જશે કે તે આવીને તમને દંડવત પ્રણામ કરશે. એટલે કે મનમાં જે વિચારો આવતા હોય એના પર ધ્યાન લઈ જાવ, વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાથી મન થાકીને વિચારરહિત અવસ્થામાં પહોંચે છે. મહર્ષિ પતંજલિ કહે છે કે દરેક વસ્તુ પર ધ્યાન કરો, જુદા જુદા તત્ત્વોનું ધ્યાન કરો, એવા ઋષિઓનું ધ્યાન કરો, જેઓ માયારહિત છે. જ્યારે આપણે માયારહિત ઋષિઓનું ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણે પણ ઊંડા ધ્યાન માં સરી જઈએ છીએ. આપણે જ્યારે સત્સંગ કરીએ ત્યારે પણ ધ્યાન માં સરી જઈએ છીએ. પરંતુ જો આપણે સત્સંગમાં પૂરા મનથી ન જોડાઈએ, તો પછી આપણે આજુબાજુ જોઈએ, છત તરફ જોયા કરીએ છીએ. આપણે સત્સંગમા હૃદયપૂર્વક, ભાવપૂર્વક જોડાવું જોઈએ. અને એ માટે તમારે જાતે જ રસ લેવો પડશે. સત્સંગમાં અમૃતરસ પહેલેથી જ છે, જે પોતે રસ લે છે, તેમને હું કહું છું કે તમારે હવે બીજું કંઈ પણ કરવાની જરૂર નથી, આ જ્યોતિ તમારા માટે જ પ્રજ્વલિત છે, અને તમારે તેને પ્રગટાવવાની કોઈ જ જરૂર નથી. આપણે જ્યારે ગંગામાં ડૂબકી મારતા હોઇએ ત્યારે નળ કે સ્નાન કરવાની શી જરૂર છે?બસ, સહજ બની રહો, સરળ બની રહો, ત્યારે એટલું યાદ રાખવું કે આ ક્ષણે "હું કોઈ નથી" અને "મારે કંઈ જોઈતું નથી." પણ જોજો પાછા, એમ સતત વિચારવાનું પણ નથી, એ પણ એક માયા છે. તેથી જ આદિ શંકરાચાર્ય કહે છે કે હું કંઇ જ નથી, "હું શૂન્ય છું" એવું વિચારતાં રહેવું તે પણ મૂર્ખતા છે.

આ વિચારો શા માટે અને ક્યાંથી આવે છે? આ વિચારો આપણા મન પર શાસન કેમ કરે છે?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: આ વિચારો મન કે શરીરમાંથી- ક્યાંથી આવે છે? તમારી આંખો બંધ કરો અને તેના વિશે વિચારો. એ વિશે વિચારવા ની પ્રક્રિયા જ સ્વયં એક ધ્યાન બની જશે. આપણી ભીતર એવી અવસ્થામાં કે સ્થાન પર પહોંચી જઈશું કે જે આ બધા જ વિચારોનું ઉદભવસ્થાન બિંદુ છે. અને આ અવસ્થા ખૂબ આલ્હાદક છે.

આપણા ધ્યાનના અનુભવને વધુ સારો કેવી રીતે બનાવી શકાય?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: જો તમને ધ્યાનની સુંદર અનુભૂતિ ના થતી હોય તો સેવા કરો, વધુ સેવા કરો, સેવાથી યોગ્યતા પ્રાપ્ત થશે અને ધ્યાન વધુ ઊંડું થશે. તમે જ્યારે લોકોને સેવા દ્વારા કંઈપણ રાહત આપો અને એમને જ્યારે દુઃખમુકિત મળે, ત્યારે એમના થકી તમને ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ મળે છે. એમના આનંદભર્યા સ્પંદનો આપણા ધ્યાનની અનુભૂતિ ને ઊંડી કરે છે. આવું ધ્યાન તમારાં સ્મિતને પાછું લાવે છે અને આપણને ધ્યાન દ્વારા થતાં સુંદર ફાયદાઓ મળે છે.

હું હંમેશા ધ્યાન કરતી વખતે ઊંઘી જાઉં છું. શું બધાંની સાથે આમ જ બને છે? તેમનો અનુભવ કેવો છે? આનો ઉપાય શું?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: બીજાના અનુભવોની ચિંતા તમે ના કરશો. તમે તમારા પોતાના અનુભવની સાથે રહો. તમારા પોતાના અનુભવ પણ સમય સમયે બદલાય છે. તેથી કંઇ ચિંતા કરશો નહીં. ધ્યાનની પ્રક્રિયા શ્રેષ્ઠ રીતે શરીરને આરામ આપે છે.

ઊંઘ અને ધ્યાન વચ્ચે શું તફાવત છે?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: એક સમક્ષિતિજ(હોરિઝોન્ટલ) સ્થિતિ છે અને બીજી શિરોલંબ(વર્ટિકલ)! હાલ પૂરતું, ફક્ત એટલું જ વિચારો. પરંતુ આવતીકાલે જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે પાછું તેના વિશે વિચારશો નહીં. તમે ન તો ધ્યાન કરી શકશો કે ન તો ઊંઘી શકશો. આ ક્ષણ જ સમય છે.

જ્યારે હું ધ્યાન કરવા બેસું ત્યારે જૂની યાદો મને કેમ પરેશાન કરે છે?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: કોઈ વાંધો નહી! મન પર લેશો નહીં! તેમને આવવા દો! જૂની યાદોને કહો કે "આવ! મારી પાસે બેસ! ૫ વર્ષ જૂની, ૧૦ વર્ષ જૂની કે ૨૦ વર્ષ જૂની યાદો, આવો, મારી પાસે બેસો!" આપણે જેટલું તેનાથી ભાગવાનો પ્રયાસ કરીએ એટલી તે આપણને વધુ પરેશાન કરે છે.