વ્યવસાયિક સંસ્થાગત દુનિયામાં (Corporate world) માં જે રીતે પરિસ્થિતિ કપરી થઈ રહી છે તેની ઘણા લોકો પર વિપરીત અસર થઈ રહી છે. માનસિક તણાવની અસર આપણે જે રીતે વિચારીએ છીએ, અનુભવીએ છીએ અને વર્તીએ છીએ તેના પર પડતી હોય છે. આમ, જીવનના તમામ પાસાઓ પર તેની અસર થાય છે. માનસિક તણાવને આપણા પર હાવી થવા દેવાના પરિણામો આફતકારી અને દુખદ નીવડે છે. તો, તણાવપૂર્ણ જીવનની મોટી કિંમત ચુકવ્યા વગર વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે?આ પ્રશ્ન આજકાલ દરેક વ્યક્તિ પૂછતી હોય છે.તેનો ઉત્તર તો સરળ અને સહેલો છે.
આ એક સાયકલ ચલાવવા જેવું છે.
સાયકલ ચલાવવામાં શું રહસ્ય છે? સમતોલન! બસ વચ્ચે જ રહેવાનું,તેને ડાબે કે જમણે પડવા નહીં દેવાની. જ્યારે તે એક બાજુએ નમી પડતી હોય ત્યારે તમે તેને વચ્ચે, કેન્દ્રમાં, લઈ આવો છો.જયારે તમે અસંતુલિત થઈ જાવ છો ત્યારે તમને તકલીફ થાય છે. અસંતુલન તરફ ધ્યાન આપો.તેને અવગણશો નહીં; તેનો સ્વીકાર કરો અને કેન્દ્રમાં આવી જાવ.જ્યારે તમે જીવનના કોઈ પણ પાસામાં અસંતુલિત થઈ જાવ છો ત્યારે તમારા અંતરાત્માના અવાજને સાંભળો અને કેન્દ્રમાં આવી જાવ.
જીવનના કોઈ પણ પાસા માટે રાગ કે દ્વેષ રાખ્યા વગર તમામ પાસાંઓને સંતુલિત કરવા,એ સાચી સફળતાનું રહસ્ય છે.
– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
તરોતાજા થવા પર ધ્યાન આપો
પ્રથમ, કાર્ય અને તમારા તરોતાજા થવા માટેના સમય વચ્ચે સંતુલન સ્થાપો.તમારા આહાર અને વ્યાયામ પર લક્ષ આપો અને ધ્યાન કરવા તથા વિશ્રામ લેવા સમય ફાળવો. કાર્યસ્થળે બપોર પછીના સમયે ભોજન અને ધ્યાન માટે ભલામણ કરું છું.જ્યારે લોકો એકત્રિત થઈને થોડી મીનીટો માટે ધ્યાન કરે છે અને સાથે ભોજન લે છે તો તે તેમને નવચેતન પ્રદાન કરે છે અને સવારે તેમનું ઊર્જાનું જે સ્તર હતું તેવા સ્તર સાથે બપોર પછી દિવસના દ્વિતીય અર્ધચરણમાં પણ તેઓ કાર્ય કરી શકે છે.

કળા તમારા માટે શ્રેષ્ઠ છે
બીજું, કોઈ જાતની કળામાં રસ લો.કોર્પોરેટ દુનિયામાં તમે ડાબા મગજની પ્રવૃતિઓથી લદાયેલા હોવ છો, જેમ કે તાર્કિક વિચારો, યોજનાઓ, પૃથ્થકરણ, વિગેરે. માટે, તમારે ડાબા મગજની ક્રિયાઓને જમણા મગજની ક્રિયાઓ સાથે સંતુલિત કરવાની જરૂર હોય છે. ચિત્રકામ, સંગીત, કાવ્યો કે અન્ય કોઈ જાતની સર્જનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓ જમણા મગજને સક્રિય કરે છે. જયારે મગજના બંને અર્ધગોળાર્ધ સંતુલિત હોય છે ત્યારે તમે વધારે સ્પષ્ટતા, સર્જનાત્મકતા, ઉત્પાદકતા, કાર્યકુશળતા અને વિશ્રામ અનુભવી શકો છો.
અંગત જીવન અને કાર્યની વચ્ચે સંતુલન રાખો
ત્રીજું, કામ અને અંગત જીવન વચ્ચે સમતુલન બનાવો.તમારા અંતરાત્માના અવાજને સાંભળો. જો તમે તમારા પરિવારને અવગણ્યો છે તો તમને દુખ થયા કરશે. જો તમે તમારી કોઈ સમાજિક જવાબદારીને અવગણી છે તો તમને તેનું દુખ થશે. જો તમે તમારા વ્યવસાયને અવગણો છો તો તેનું તમને દુખ થશે.જો તમે તમારી આધ્યાત્મિક પ્રક્રિયાઓને અવગણશો તો તેનું તમને દુખ થશે. માટે,જયારે પણ કોઈ બાબતનું તમને દુખ થાય ત્યારે કેન્દ્રમાં પાછા આવી જાવ.
માનસિક તણાવને સેવા થકી દૂર કરો
ચોથું, કંઇક સેવા કરો. તમારી આસપાસના લોકોને સહાયરૂપ થાવ.માનસિક તણાવ દૂર કરવા માટે તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.તમારે સમાજ માટે કંઇક પ્રદાન કરવું જોઈએ.જો તમે કોઈ સેવા અને દયાભાવનું કાર્ય કરો છો તો તે તમને તુરંત આંતરિક નવચેતનનો અનુભવ આપે છે.
અપૂર્ણતા/ક્ષતિ પ્રત્યે મોટું મન રાખો
અંતે, કંઇક અપૂર્ણ/ક્ષતિયુક્ત હોય તો તે ચલાવી લો. અન્યોની અને તમારી થોડી અપૂર્ણતાનો સ્વીકાર કરો. તેનાથી તમે વધારે ધીરજવાન થશો. આ બાબત તમારા ઘરમાં કચરાના ડબ્બા માટે એક જગ્યા રાખવા જેવું છે. તમારા બાકીના ઘરને સાફ રાખવા માટે તેની જરૂર છે.