ઘણા સમય પહેલા ચાર વૃદ્ધો પોતાના પ્રશ્નોના જવાબ શોધી રહ્યા હતા. તેઓમાંનો પહેલો દુઃખી હતો અને દુઃખો માંથી કઈ રીતે બહાર નીકળવું તેનો રસ્તો શોધતો હતો. બીજાને વિકાસ અને સફળતા જોઈતા હતા અને તે કઈ રીતે મળે તે તેને જાણવું હતું. ત્રીજા ને જીવનનો અર્થ જાણવો હતો. ચોથા ને બધું જ જ્ઞાન હતું છતાં તેને કશુંક ખૂટે છે તેમ લાગ્યા કરતુ હતું. પણ તે શું છે તે એ જાણતો નહોતો.
તે ચારે વૃદ્ધો પોત પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે અહીં તહીં ફરી રહ્યા હતા. તેઓ ફરતા ફરતા એક વટ વૃક્ષ પાસે પહોંચ્યા. વટ વૃક્ષની નીચે એક યુવાન પ્રસન્ન સ્મિત સાથે બેસેલો હતો. તે ચારે વૃદ્ધોને લાગ્યું કે આ જ વ્યક્તિ તેમના પ્રશ્નોના જવાબ આપી શકશે. તેમને લાગ્યું કે તેમની સમસ્યાઓનું નિરાકરણ આ વ્યક્તિ જ કરી શકશે. તેથી તે ચારે ત્યાં બેસી ગયા. ચહેરા પર પ્રસન્ન સ્મિત સાથે બેસેલો તે યુવાન એક શબ્દ પણ બોલ્યો નહીં છતાં તે ચારે ને પોતપોતાના પ્રશ્નોના જવાબ મળી ગયા.
આ ગુરુપૂર્ણિમાની પહેલી કથા છે. તે પૂનમનો દિવસ હતો અને તે રીતે ગુરુ પરંપરા ની ન શરૂઆત થઈ. તે ચારેય વ્યક્તિઓ ગુરુ બન્યા.
તેમને જે જે જોઈતું હતું તે તે તેમને મળ્યું:
- દુઃખ નાશ પામ્યું.
- વિપુલતા અને આનંદ પ્રગટ્યા.
- શોધખોળ/અતૃપ્તિ નો અંત આવ્યો.
- જેના પાસે જ્ઞાન હતું તેને વ્યક્ત થવા માટે ગુરુ મળ્યા.
તે ચોથી વ્યક્તિ પાસે બધું જ હતું. તેના પાસે સંપૂર્ણ જ્ઞાન હતું, પણ જેની સાથે સંકળાઈ શકાય તેવા ગુરુ ન હોતા. તેનો ગુરુ સાથેનો એક આંતરિક સંબંધ સ્થપાઈ ગયો.
તેથી જ આદિ શંકરાચાર્યએ કહ્યું છે “————–” मौना व्याख्य प्रकटित, परा, ब्रह्म तथ्वं युवनम्”।
અર્થ: હું પ્રથમ ગુરુને વંદન કરું છું, તેમની સ્તુતિ કરું છું. તેઓ પોતાના મૌન દ્વારા પરમ બ્રહ્મનું સાચું સ્વરૂપ સમજાવે છે.
વાર્તાનું પ્રતીકવાદ
આ કથામાં જ્ઞાન આપનારા શિક્ષક યુવાન છે કારણ કે આત્મા હંમેશા યુવાન જ છે. જ્યારે કે વિદ્યાર્થીઓ વૃદ્ધ છે. આની સાથે ઘણી બધી ઉપમાઓ જોડાયેલી છે.. શોધખોળ, ચાહના, અપેક્ષાઓ આપને વૃદ્ધ બનાવે છે. સંસાર, અથવા મુક્તિ, અથવા કોઈપણ વસ્તુની ઇચ્છા
તમને વૃદ્ધ બનાવે છે. તેથી જ ચારે શિષ્યો વૃદ્ધા હતા અને ગુરુ યુવાન હતા.
વડના વૃક્ષનું પ્રતીકવાદ શું છે? વડના વૃક્ષ પોતાની મેળે જ વિકસિત થાય છે. વડના વૃક્ષને વિકસવા માટે કોઈની સાર સંભાળ ની જરૂર પડતી નથી. વડનું બીજ કોઈ પથ્થરમાં પડે, કે જ્યાં અતિ અલ્પ પાણી છે, ત્યાં પણ વિકસી શકે છે. તેને બસ થોડી માટી અને થોડું પાણી જોઈએ છે. ઘણી વખત તો તે પાણી અને માટી વિના પણ વિકસે છે. અને વડના વૃક્ષ સતત પ્રાણ વાયુ આપતું રહે છે. આ એક એવું વૃક્ષ છે કે જે 24 કલાક પ્રાણવાયુ આપે છે. વડના વૃક્ષ ની આ સતત આપતા રહેવાની પ્રવૃત્તિ ગુરુતત્વનું પ્રમાણ છે.
ગુરુ એ છે જે અંધકારનો નાશ કરે છે. દુઃખ, એકલતા અને અભાવને દૂર કરી વિપુલતા અને સમૃદ્ધિ લાવે છે. કારણ કે અભાવ તો કેવળ મનમાં રહેલો છે. અભાવને દૂર કરે છે અને ખુલ્લાપણું, સ્વાતંત્ર ,મોકળાશ,હળવાશ લાવે છે.