હિંદુ પૌરાણિક કથામાં ભગવાન વિષ્ણુ અને તેમની ગુસ્સા સામે સંઘર્ષની વાર્તા આવે છે.મધુ અને કૈટભ નામના બે રાક્ષસો ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા હતા.તેઓ ભગવાનને પજવતા હતા.મધુ એટલે ગુસ્સો અને કૈટભ એટલે ધિક્કાર.ભગવાન વિષ્ણુ હજાર વર્ષ સુધી તેમની સામે લડ્યા,પરંતુ જીતી શક્યા નહીં.
તેમણે પોતે સર્જેલા ગુસ્સા અને ધિક્કારનો તેઓ કેવી રીતે નાશ કરી શકતા?માટે તેમણે દેવીમાને,દૈવી ચેતનાને,આહ્વાન કર્યું.જયારે ચેતનાનો ઉદય થાય છે ત્યારે ગુસ્સો અને ધિક્કાર ઓગળી જાય છે.જળની મદદથી માએ મધુ અને કૈતભનો નાશ કર્યો.અહી જળ પ્રેમનો પર્યાય છે.આમ,પ્રેમની મદદથી ચેતના ગુસ્સા અને ધિક્કારનો નાશ કરે છે.જયારે ચેતના પ્રેમસભર થાય છે ત્યારે ગુસ્સો કે ધિક્કાર ટકી શકતા નથી—માત્ર શાશ્વત પ્રેમ રહે છે.
ગુસ્સો અને ધિક્કાર સાંભળવામાંથી જન્મે છે.સર્જક બ્રહ્માજી કે સંહારક શિવજી સાંભળતા નથી હોતા.તે બંન્ને માત્ર પોતાનું કામ કરીને જતા રહે છે.પરંતુ જેઓ(વિષ્ણુ) દુનિયા અને તેના કામકાજને સંભાળે છે તેમને બધાનું સાંભળવું પડે છે.એવા સમયે ગુસ્સો જન્મે છે.
શા માટે લોકો ઝગડે છે:મૂળ કારણ
લોકોને એમ લાગતું હોય છે કે પોતે સાચા છે માટે ઝગડો કરે છે.પોતે સાચા હોવાની લાગણી તેમને ઝગડવા માટેની તાકાત આપે છે.જો કોઈને એમ લાગતું હોય કે પોતે ખોટા છે તો તેમનામાં ઝગડવાની તાકાત હોતી નથી.
પોતે જ સાચા છે એવા મર્યાદિત અને સંકુચિત ખ્યાલે દુનિયામાં અધમ કર્યું છે.એને લીધે જ દુનિયાના બધા યુધ્ધો થયા છે.
જો આપણે આપણો દ્રષ્ટિકોણ વિસ્તૃત કરીએ અને તટસ્થ રીતે હકીકતને જોઈએ તો આપણને એક અલગ જ ચિત્ર દેખાશે.આપણી પોતે જ સાચા હોવાની ભાવના એક માનસિક ખ્યાલ હોય છે,પરિસ્થિતિનું ખરું કારણ એના કરતાં જૂદું હોય છે.એ સાચા અને પ્રાથમિક કારણને જોવું એમાં શાણપણ છે.
આજની દુનિયામાં એટલી બધી બાબતો છે જે આપણને ગુસ્સે કરે છે.અને ગુસ્સાને લીધે અપરાધની ભાવના,હિંસા,પીડા અને ધિક્કાર જન્મે છે.આ ચક્રને તોડવું અઘરું છે.ગુસ્સાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ ૫ સૂચનો છે:
-
ગુસ્સામાં હોય તેવા લોકો સાથે ફટાકડા હોય તેમ વર્તો
ગુસ્સે થઈ હોય તે વ્યક્તિને એક ફટાકડા તરીકે જુઓ.દિવાળીમાં આપણે ફટાકડાને આગ ચાંપીને ભાગી જઈએ છીએ,અને દૂરથી તેને માણીએ છીએ.થોડી વાર પછી તે બુઝાઈ જાય છે.ગુસ્સે થયેલી વ્યક્તિ આવી હોય છે.
પરંતુ આપણે ઘરમાં ફટાકડા નથી ફોડતા કે કોઈ કિંમતી ચીજ તેની પાસે નથી રાખતા.માટે,ધ્યાન રાખો કે ગુસ્સે થયેલી વ્યક્તિની નજીક કોઈ કિંમતી ચીજ ના પડી હોય.
આ દુનિયામાં ગુસ્સાવાળા લોકો ના હોય તો મજા ના આવે.આથી,પોતાની જાતને બચાવો અને તેમને દૂરથી નિહાળો.તેમનામાં ઉલઝાશો નહીં તો તમને મજા આવશે!
-
સભાનપણે ગુસ્સા પર જીત મેળવો
જો તમે ગુસ્સે થયા હોવ અને ગુસ્સાને વ્યક્ત ના કરો તો તમને ગુંગળામણ થશે.અને જો તમે ગુસ્સો વ્યક્ત કરો છો તો તમને અપરાધ લાગે છે.માટે,આ બંન્ને પરિસ્થિતિથી ઉપર ઉઠવું અગત્યનું છે.જીવનને એક અલગ દ્રષ્ટિકોણથી જુઓ.
તમારી લાગણીઓને એક સુશોભન તરીકે જુઓ—કેક પરના વિવિધ રંગ અને આકૃતિઓથી કરેલા સુશોભનની જેમ.આ સુશોભનથી કેકને કોઈ ફેર પડતો નથી.એ જ રીતે,લાગણીઓથી તમે બંધનમાં ના મુકાવા જોઈએ કે તમને અપરાધ ના લાગવો જોઈએ. જયારે તમારી ચેતના ખીલશે ત્યારે આવું થશે.
નવરાત્રિ સમયે આપણે સત્સંગ કરીએ છીએ અને વિશેષ આહાર લઈએ છીએ.આથી મન ભક્તિની લહેરોમાં ડૂબી જાય છે.આ રીતે આપણે ગુસ્સા અને અન્ય દુર્ગુણો થવાની શક્યતાઓને ટાળીએ છીએ.
-
આક્રોશને પહોંચી વળવા તાકાતનો ઉપયોગ કરો
શા માટે તમારામાં આક્રોશ જન્મે છે?જયારે તમને એવું લાગે છે કે કોઈ તમારા કરતાં મોટું છે ત્યારે તમે આક્રમક થાવ છો,બરોબર?એ વિષે ચિંતન કરો.જો કોઈ વ્યક્તિ તમારા કરતાં ખરેખર મોટી છે અથવા નગણ્ય ગણાય એટલી નાની છે તો તમે આક્રમક નથી થતા.પરંતુ,જયારે તમને એવું લાગે છે કે કોઈ તમારી બરોબર છે અથવા તમારા કરતાં થોડી જ મોટી કે નાની છે તો તમે આક્રમક થાવ છો.આમ થવાનું કારણ તમારી પોતાની જ તાકાત વિશેની અજ્ઞાનતા છે.જાગો અને જુઓ કે તમે શું છો અને તમે કોની સામે આક્રમક થઈ રહ્યા છો.
જયારે તમારે એક મચ્છર મારવો હોય છે ત્યારે તમે આક્રમક નથી થતા!તમને ખબર છે કે તે એક મચ્છર જ છે અને તે તુચ્છ છે.આ રીતે તમારી તાકાત બાબતે જાગૃત બનો.
-
થોડી અપૂર્ણતા મનને માટે તંદુરસ્તીપ્રદ છે
સંપૂર્ણતાની વધારે પડતી અપેક્ષા મનમાં ગુસ્સો અને હિંસા જન્માવે છે.અપૂર્ણતાનો સ્વીકાર કરવાનો અઘરો બને છે.ઘણી વાર આપણી યોજના પ્રમાણે બધું થતું નથી.એવી પરિસ્થિતિને પહોંચી વળવા વ્યક્તિએ તૈયાર રહેવું હોઈએ.
અપૂર્ણતા માટે થોડો અવકાશ રાખો;એ જરૂરી છે.એનાથી તમારામાં ધીરજ વધશે.ધીરજ વધવાની સાથે ગુસ્સો ઓછો થઇ જશે અને ગુસ્સો ઘટવાથી હિંસા નહીં થાય.
-
પ્રેમને જ્ઞાનની ઢાલ આપો
તમે પ્રેમ કરો છો તે વ્યક્તિ જો તમારી અપેક્ષા પ્રમાણે નથી વર્તતી તો તમને દુખ થાય છે.તમે રસ્તે ચાલતી ગમે તે વ્યક્તિથી તો દુખી નથી થતા!પરંતુ તમે પ્રેમ કરો છો અથવા તમને નજીકની લાગે છે તે વ્યક્તિ તમને શુભેચ્છા નથી પાઠવતી અથવા તમને સ્મિત નથી આપતી તો તમને દુખ થાય છે.
જ્યારે લોકો દુખી થાય છે ત્યારે તેઓ અલિપ્ત થઇ જાય છે,કઠણ હૃદયના થઈ જાય છે અને નિષ્ઠુર રીતે વર્તે છે.
પ્રેમ એ સુંદર અને નાજુક લાગણી છે;તે જલ્દીથી ઘવાય છે;અને ઝડપથી ધિક્કાર,ગુસ્સા,દોષારોપણ, દ્વેષભાવ,કડવાશ કે ઈર્ષ્યામાં રૂપાંતરિત થઈ શકે છે.
તમે આપણા સમાજમાં આ નાજુક લાગણીને વિકૃત થતી કેવી રીતે બચાવી શકો છો?જ્ઞાનથી.પ્રેમના રક્ષણ માટે તે યોગ્ય ઢાલ છે.જ્ઞાન પ્રેમની શુધ્ધતા જાળવી રાખે છે,અને તેને તમામ પ્રકારના વિકારોથી દૂર રાખે છે.સંતોનો પ્રેમ હંમેશા શુદ્ધ હોય છે કારણ કે તેને રક્ષણ માટે જ્ઞાનની ઢાલ હોય છે.
ઉપરાંત,તમે જયારે સાધનામાં ઊંડા ઉતરો છો ત્યારે તમે પ્રેમનો સૂક્ષ્મ સ્તરે અનુભવ કરી શકો છો.
ગુસ્સો ક્યારે યોગ્ય કહેવાય?
ક્યારેય ગુસ્સે ના થઈએ એવું શું શક્ય છે?
તમારો અનુભવ કેવો રહ્યો છે?જયારે તમે બાળક હતા અને તમારી પાસેથી ચોકલેટ લઈ લેવામાં આવી હતી ત્યારે તમે ગુસ્સે થયા હતા.જયારે તમે શાળા,કોલેજ અને ઓફીસમાં હતા ત્યારે જુદા જુદા કારણોને લીધે જુદા જુદા લોકો પર ગુસ્સે થયા હતા.આમ,આપણે સૌ ગુસ્સે થઈએ છીએ.અગત્યનું એ છે કેટલી જલ્દી તમારો ગુસ્સો ઠંડો પડી જાય છે.ત્રણ પરિબળો આ નક્કી કરે છે:
- પહેલું પરિબળ છે તમે કેટલી વાર ગુસ્સે થાવ છો?આ બાબત તમારી તાકાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.તમે જેટલા વધારે નબળા હોવ છો તેટલું વધારે ગુસ્સે થઈ જવાનું વલણ ધરાવો છો.તમે જેટલા વધારે મજબૂત હોવ છો,તેટલું ઓછું ગુસ્સો કરવાનું વલણ હોય છે.માટે,નક્કી કરો કે તમારી તાકાત ક્યાં છે.તમે શા માટે તેને ગુમાવી રહ્યા છો?
- બીજું પરિબળ છે તમારી દ્રષ્ટિ.તમારી આસપાસના લોકો વિષે તમારી સમજ કેટલી ઊંડી છે?
- ત્રીજું છે તમારી આસક્તિની માત્રા.ગુસ્સાનું કારણ જો તમારી કોઈ અનુકૂલન કે સુખની ઈચ્છા અથવા અહંકાર છે તો તમારી પ્રતિક્રિયા એના કરતાં અલગ આવશે જ્યારે તમે કોઈ ચોક્કસ કારણને લીધે ગુસ્સે થયા હોવ.જો તમારો ગુસ્સો કંઇક ઠીક કરવા માટે થયો છે તો તે ઉપયોગી છે.
માટે,ગુસ્સો હંમેશા ખરાબ નથી.જો તેનો ક્યારેક જ ઉપયોગ થતો હોય તો તે સારો હોઈ શકે છે.જો તમે તેનો રોજ ઉપયોગ કરો છો તો તેની કોઈ કિંમત નથી રહેતી.ઉપરથી તે તમારું મુલ્ય ઓછું કરી નાંખે છે.આથી, ગુસ્સાને તમારો ઉપયોગ ના કરવા દો.પરંતુ તમે તેનો કોઈ સકારાત્મક બદલાવ માટે સાધન તરીકે ઉપયોગ કરો.
સહજ સમાધિ ધ્યાન યોગ તમને તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા અને આમ તમને એક સકારાત્મક, ચિંતનમય અને ઊર્જાસભર અવકાશ તરફ લઇ જવામાં સહાયરૂપ થઈ શકે છે.