તમે ધ્યાન અને પ્રાણાયામ વિશે ઘણું સાંભળ્યું હશે.તમે જાણો છો કે આ પ્રાચીન વિજ્ઞાન ભારતમાં છેલ્લા 5000 થી 8000 વર્ષોથી છે?આ વિજ્ઞાનનો આયુર્વેદ સાથે ઉપયોગ કરીને લોકોની અનેક પેઢીઓના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની માવજત થઈ છે.આ પૌરાણિક વિજ્ઞાનનો લાખો લોકોને ફાયદો મળ્યો છે,પરંતુ કમનસીબે કોઈ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ થયું નથી.હવે ભારત સરકાર આયુર્વેદિક સંશોધન શાખા પણ સ્થાપી રહી છે.
ધ્યાન અને પ્રાણાયામની વાત કરીએ તો જો તમે એક બાળકનું અવલોકન કરશો તો એ રસપ્રદ જણાશે કે તે જન્મે છે ત્યારથી લઈને ૩ વર્ષની ઉંમર સુધીમાં તે બધા યોગાસનો કરે છે.આ સમજવા માટે તમારે માત્ર સૂક્ષ્મ અવલોકન શક્તિની જરુર છે,કોઈ યોગ શિક્ષકની નહીં.
જો તમે જોશો તો જણાશે કે બાળકો ભૂજંગાસન પણ કરે છે,જેમાં તેઓ પેટ પર સૂઈને પોતાની ગરદન ઊંચી કરે છે.તેઓ નૌકાસન પણ કરે છે,જેમાં તેઓ પીઠ પર સૂઈને પોતાના હાથ પગ ઊંચા કરે છે.ત્રણ વર્ષની ઉંમર પહેલા તેઓ મોટા ભાગના બધા યોગાસનો કરે છે. આપણે માત્ર તેમનું અવલોકન કરવાનું હોય છે.ઉપરાંત, બાળકો જે રીતે શ્વાસ લે છે તે પણ અલગ હોય છે;તેઓ પેટમાંથી શ્વાસ લે છે.દરેક લાગણી અનુસાર શ્વાસની લય હોય છે. તમે જોયું હશે કે જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે શ્વાસની લય અમુક પ્રકારની હોય છે અને દુખી હોવ છો ત્યારે અલગ પ્રકારની. તમારા શ્વાસનું ઉષ્ણતામાન, ગતિ,લંબાઈ અને પરિમાણ અલગ હોય છે.(આ બાબત અભિનય કળાના વર્ગોમાં પણ શીખવવામાં આવે છે;શ્વાસની લય બદલીને કેવી રીતે અલગ અલગ લાગણીઓ વ્યક્ત કરવી.) આમ, આપણી લાગણીઓ શ્વાસ અને શરીરના કેટલાક ભાગ સાથે સંકળાયેલી છે.
યોગમુદ્રાઓ કેવી રીતે કરવી અને તેમના ફાયદા
જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે એક વિશિષ્ટ મુદ્રા સાથે જન્મે છે, જેને યોગ વિજ્ઞાનના પુસ્તકોમાં આદિ મુદ્રા કહેવાય છે(અંગુઠો હથેળીમાં ઊંડે સુધી મુકેલો અને આંગળીઓ વાળીને મુઠ્ઠી બંધ હોય).જો તમે ધ્યાનથી જોશો તો જણાશે કે જ્યારે બાળકો સૂઈ જાય છે ત્યારે હાથની ચિન મુદ્રા (અંગુઠા અને પહેલી આંગળીની ટોચ એકબીજાને સ્પર્શતી અને બાકીની આંગળીઓ સીધી) અને ચિન્મયી મુદ્રા (અંગુઠા અને પહેલી આંગળીની ટોચ એકબીજાને સ્પર્શતી અને બાકીની આંગળીઓ વાળીને હથેળીમાં સ્પર્શતી) હોય છે.તેઓ જ્યારે અંગુઠો ચૂસે છે ત્યારે મેરુદંડ મુદ્રા પણ (અંગુઠો બહાર તરફ સીધો અને આંગળીઓ હથેળીમાં વાળેલી) કરે છે.
મુદ્રા મગજના તથા શરીરના કોઈ ચોક્કસ ભાગને ઉત્તેજિત કરે છે.માટે, બાળકો આ વિવિધ મુદ્રાઓ કરતા હોય છે. જો તમે ધ્યાનથી જોશો તો જ્યારે પણ કોઈ વ્યક્તિને ઠંડી લાગે છે ત્યારે તેની પહેલી કુદરતી પ્રતિક્રિયા અંગુઠાને બગલમાં દબાવીને હૂંફાળા રાખવાની હોય છે.હકીકતમાં યોગમાં અંગુઠા ખૂબ અગત્યના છે.એવું કહેવાય છે કે જો તમે અંગુઠાને હૂંફાળા રાખશો તો આખું શરીર હૂંફાળું રહે છે.યોગમાં એવું પણ કહેવાય છે કે આપણી આંગળીઓની ટોચ ઊર્જાના બિંદુ છે.
આખા શરીરમાં 108 ચક્રો આવેલા છે,જેમાંના 12 ખૂબ અગત્યના છે અને તેમાંના 7 તો સૌથી અગત્યના છે.આ કેન્દ્રો પર આપણું ધ્યાન લઈ જવાથી આપણે તેમને ઉત્તેજિત કરીએ છીએ અને વિશ્રામ આપીએ છીએ.
1. ચિન મુદ્રા
- અંગુઠા અને પહેલી આંગળીને હળવેથી એકબીજા સાથે સ્પર્શ કરાવો અને બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો.
- અંગુઠો અને પહેલી આંગળી એકબીજાને માત્ર સ્પર્શવા જોઈએ,કોઈ પ્રકારનું દબાણ આપવાનું નથી.
- બાકીની ત્રણ આંગળીઓ શક્ય હોય તેટલી સીધી રાખવી.
- હથેળીઓ છત તરફ ખુલ્લી રહે તેમ હાથ સાથળ પર મુકવા.
- હવે શ્વાસની અવરજવરનું અને તેની અસરનું અવલોકન કરો.
ચિન મુદ્રાના ફાયદા
- તે યાદશક્તિ તથા એકાગ્રતામાં વૃધ્ધિ કરવામાં સહાય કરે છે.
- નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરે છે.
- શરીરમાં ઊર્જાના પ્રમાણમાં વધારો કરે છે.
- કમરના નીચેના ભાગના દુખાવામાં ઘટાડો કરે છે.

2. ચિન્મય મુદ્રા
- આ મુદ્રામાં અંગુઠો અને પહેલી આંગળી એક ગોળાકાર બનાવે છે,અને બાકીની ત્રણ આંગળીઓ વાળીને હથેળીમાં મુકવામાં આવે છે.
- હથેળીઓ ઉપરની તરફ ખુલ્લી રહે તેમ હાથ સાથળ પર મુકવામાં આવે છે. અને ઊંડા આરામદાયક ઉજ્જૈ શ્વાસ લેવામાં આવે છે.
- ફરીથી શ્વાસના આવાગમનનું અને તેની અસરનું અવલોકન કરો.
ચિન્મય મુદ્રાના ફાયદા
- તે શરીરમાં ઊર્જાના વહનમાં સુધારો કરે છે.
- તે પાચનક્રિયાને ઉત્તેજિત કરે છે.

3. આદિ મુદ્રા
- આદિ મુદ્રામાં ટચલી આંગળીના છેડે હથેળીમાં અંગુઠો મુકવામાં આવે છે અને બાકીની આંગળીઓ અંગુઠા પર વાળી દેવામાં આવે છે,અને આમ હળવી મુઠ્ઠી વાળવામાં આવે છે.
- હથેળીઓ ઉપરની તરફ ખુલ્લી રહે તેમ હાથ સાથળ પર મુકવામાં આવે છે અને ઉજ્જૈ શ્વાસ લેવામાં આવે છે.
આદિ મુદ્રાના ફાયદા
- આ મુદ્રા ચેતાતંત્રને વિશ્રામ આપે છે.
- તે નસકોરા બોલતા હોય તેમાં ઘટાડો કરવામાં સહાય કરે છે.
- તે મસ્તિષ્ક તરફ પ્રાણવાયુના વહનમાં વધારો કરે છે.
- તે ફેફસાની ક્ષમતામાં વૃધ્ધિ કરે છે.

એક વર્ષ પહેલા ન્યુયોર્કમાં વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે જો કોઈ વ્યક્તિ આઠ અઠવાડિયા સુધી નિયમિત રીતે દિવસમાં 20 મીનીટ ધ્યાન કરે છે તો મગજની સંરચનામાં બદલાવ આવે છે. મગજની ‘ગ્રે મેટર’માં વૃધ્ધિ થાય છે.આ કંઈક અદભૂત છે.આપણે આ વિશે જાણતા હતા અને જમાનાઓથી આનો અનુભવ કર્યો છે.અમે જોયું છે કે ધ્યાન દ્વારા લોકોના માનસમાં પરિવર્તન આવે છે. તેઓ દિવસ દરમ્યાન હંમેશા તરોતાજા રહે છે.હવે વિજ્ઞાન પણ આ મત આપે છે. “વિસ્મયો યોગ ભૂમિકા” એવું કહેવાય છે. યોગ માટેની પ્રસ્તાવના વિસ્મય છે.જ્યારે આપણે આપણી આસપાસની વસ્તુઓને જોઈને વિસ્મયની અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તે સમય છે જેમાં યોગ અનાવૃત થવા માંડે છે.
જો તમે ધ્યાનથી જોશો તો જ્યારે પણ કોઈ વ્યક્તિને ઠંડી લાગે છે ત્યારે તેની પહેલી કુદરતી પ્રતિક્રિયા અંગુઠાને બગલમાં દબાવીને હૂંફાળા રાખવાની હોય છે.હકીકતમાં યોગમાં અંગુઠા ખૂબ અગત્યના છે.એવું કહેવાય છે કે જો તમે અંગુઠાને હૂંફાળા રાખશો તો આખું શરીર હૂંફાળું રહે છે.યોગમાં એવું પણ કહેવાય છે કે આપણી આંગળીઓની ટોચ ઊર્જાના બિંદુ છે.
આસનોનો ફાયદો એ છે કે શરીર તંદુરસ્ત અને મજબૂત બને છે,શ્વાસ કંપનરહિત થાય છે,મન પ્રફુલ્લિત બને છે,બુધ્ધિ કુશાગ્ર થાય છે,ચેતનામાં આત્મ સાક્ષાત્કાર થાય છે અને અંતઃસ્ફૂરણામાં વૃધ્ધિ થાય છે.યોગના અગણિત ફાયદા છે. માટે જ આપણે દરરોજ થોડી વાર યોગ અને ધ્યાન કરવા જોઈએ.યોગ એટલે વાતચીત કરવાની કુશળતા.એ લોકો સાથે સંપર્ક સ્થાપવાની કુશળતા છે.તમે આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંચાલિત વિવિધ કાર્યક્રમો થકી યોગ અને ધ્યાન વિશે વધુ જાણી શકો છો,જેમ કે આર્ટ ઓફ લિવિંગનો હેપ્પીનેસ પ્રોગ્રામ.અત્યારે જ અમારા નિષ્ણાંતો સાથેના નિઃશુલ્ક ધ્યાનના સેશન માટે નામ નોંધાવો.યોગ કરવાથી શરીર અને મનના વિકાસમાં મદદ થાય છે,પરંતુ તે દવાનો વિકલ્પ નથી.તાલીમ પામેલા યોગના શિક્ષકની દેખરેખમાં યોગ શીખવા અને અભ્યાસ કરવો જરુરી છે.કોઈ પણ બીમારીની સ્થિતિમાં તમારા ડોક્ટર અને શ્રી શ્રી યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો જોઈએ.