આપણે શરૂઆત એક વાર્તાથી કરીશું. વાર્તા એ જ્ઞાન પ્રસારની એક સૌથી અસરકારક અને શ્રેષ્ઠ પદ્ધતિ છે.
પૂરાણકાળમાં એક વખત બધાં ઋષિમુનિઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે "પ્રભુ આપે ધનવંતરીના અવતાર રૂપે રોગોનો ઈલાજ આયુર્વેદ દ્વારા કરવાની પદ્ધતિઓ આપી, છત્તા લોકો હજી પણ બીમાર પડે છે." તે સૌને એમ પણ જાણવું હતું કે લોકો બિમાર પડે તો શું કરવું?
ક્યારેક માત્ર શારીરિક બિમારી જ નહીઁ પરંતુ માનસિક અને ભાવનાત્મક બિમારીનો ઈલાજ પણ જરૂરી બને છે જેવી કે ક્રોધ, વાસના, લોભ, ઈર્ષ્યા વિગેરે. આ બધી અશુદ્ધિઓથી કેવી રીતે છુટકારો મેળવવો? તે માટે શું ઉપાય છે?
ભગવાન વિષ્ણુ ૧૦૦૦ મસ્તક્વાળા આદીશેષનાગ પર પોઢેલા હતા. જ્યારે ઋષિમુનિઓ તેમની પાસે ગયા ત્યારે ભગવાને આદીશેષનાગ કે જે સજગતાનું પ્રતિક છે, તે તેમને સોંપ્યા. જેમણે આ પૃથ્વી પર મહર્ષિ પતંજલિ રૂપે જન્મ લીધો.
આમ,શ્રી પતંજલિ આ પૃથ્વી પર યોગ નું જ્ઞાન લોકોને આપવા માટે આવ્યા જે જ્ઞાન યોગ સૂત્રો તરીકે પ્રચલીત બન્યું.
મહર્ષિ પતંજલિએ કહ્યું કે જો ૧૦૦૦ લોકો એકઠા નહી થાય તો તેઓ યોગસૂત્રોની સમજ નહી આપે તેથી ૧૦૦૦ લોકો વીંધ્ય પર્વતની દક્ષિણે મહર્ષિ પતંજલિને સાંભળવા એકઠા થયા.
મહર્ષિ પતંજલિએ બીજી એક શરત મૂકી. તેમણે કહ્યું કે તેઓ પોતાની અને વિદ્યાર્થીઓની વચ્ચે એક પડદો રાખશે અને કહ્યું કે કોઈ પણ એ પડદો ઉઠાવશે નહી કે ખંડ છોડીને જશે પણ નહીં જ્યાં સુધી પોતે પૂર્ણ ના કરે ત્યાં સુધી દરેક જણ ત્યાં જ રહેશે.
મહર્ષિ પતંજલિ પડદા પાછળ રહ્યા અને પોતાનુ જ્ઞાન સૌને પ્રદાન કર્યું. અને તે ૧૦૦૦ લોકોએ તે જ્ઞાન પ્રાપ્ત કર્યુ. એ એક અદભૂત ઘટના હતી અને વિદ્યાથીઓ માટે પણ કેમ કે તે લોકો માની જ નહોતા શકતા કે પડદા પાછળથી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના તેમના ગુરુ કેવી રીતે દરેક જણને જ્ઞાન પ્રદાન કરતા હતા !
દરેક વિદ્યાર્થી આશ્ચર્યચકિત હતો. દરેક જણ પોતાની અંદર ઉર્જાના, ઉત્સાહના અદમ્ય ધોધનો અનુભવ કરી રહ્યો હતો, એવો અદમ્ય ધોધ કે જેને મહાપરાણે સંભાળી શકાય- છતાં પણ અનુશાસન તો જાળવવુ જ પડે!!.
એક કિશોર વયના વિદ્યાર્થીને લઘુશંકા માટે જવુ પડે તેવુ બન્યું. તેથી તે ખંડની બહાર ગયો. તેણે વિચાર્યુ કે પોતે ચુપચાપ જશે અને ચુપચાપ પાછો આવી જશે. બીજો એક વિદ્યાર્થી કુતુહલથી પ્રેરિત થયો, "ગૂરુજી પડદા પાછળ શું કરે છે ? મારે જોવુ છે."
શું તે વિદ્યાર્થીએ પડદો ઉઠાવ્યો? આવતા બુધવારે પતંજલિ યોગ સૂત્રના બીજા જ્ઞાનપત્રમાં જોઈશું.
આ વાર્તામાંથી તમે શું સમજ્યા?
આ વાર્તામાં બહુ ઉંડાણ છે. પુરાણો-શાસ્ત્રો કોઈ ખુલાસા કે વિગતવાર સમજણ નથી આપતા. તેઓ માત્ર વાર્તા આપે અને પછી ઍમાંથી ગર્ભિત અર્થ સમજવાનુ આપણા પર છોડે છે. તો આમાંથી તમે શું અર્થ સમજ્યા?
- પડાદાનું શું મહત્વ છે?
ગૂરૂજીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના દરેક જણને જ્ઞાન કેવી રીતે આપ્યું?