ઘણા બધાંને જાત ઉપરથી સંયમ ગુમાવી દેવાની સમસ્યા હોય છે આ સમસ્યા ચિંતા અને અજંપામાં પરિણમે છે... જે સંબંધોમાં કડવાશ ઊભી કરે છે.
જાગો અને જુઓ, શું તમારો ખરેખર જાત ઉપર સંયમ છે? તમે કોઇ બંધનથી જકડાયેલા છો? કદાચ તમે કોઇ નાજુક તબક્કામાંથી પસાર થઇ રહ્યા હો...! એવું કશું તો નથીને?
તમે ઊંઘમાં કે સ્વપ્નાવસ્થામાં હોવ ત્યારે તમારી ઉપર તમારો કોઈ કાબૂ હોતો નથી, તમને આવતા વિચારો અથવા ભાવનામાં પણ તમારું કોઈ નિયંત્રણ હોતું નથી. હા, તે વિચારોને પ્રગટ કરવા કે નહીં તેની પસંદગી તમારા હાથમાં છે પરંતુ તે વિચારોનું આવવું એ કંઇ તમારી મંજૂરી પર આધાર રાખતું નથી. એ તો પૂછ્યા-કાછ્યા વગર આવી જાય છે. તમે જાણો છો ને અનુભવો પણ છો કે તમારા શરીરના મોટાભાગના કાર્યો પર તમારો કોઇ કાબૂ નથી, અને એવું જ તમારા જીવનમાં અને સમગ્ર વિશ્વમાં છે.!! એનો અર્થ સ્પષ્ટ છે કે તમારા જીવનની બધી જ ઘટનાઓ અને સમગ્ર વિશ્વ પર તમારો કાબૂ હોય એવું બની શકે ખરું ?! કેવી હાસ્યાસ્પદ વાત છે!!
જો તમે વસ્તુ અને ઘટનાઓ પ્રત્યે આવા દૃષ્ટિકોણથી જોવાનું શરુ કરશો તો કાબૂ ગુમાવવાના ડર રાખવાની જરૂર નહિ પડે, કારણ કે તમે આમ જૂઓ તો શું છો?- કશું જ નહિ. તમે આ વાસ્તવિક્તાનો સ્વીકાર કરો કે ન કરો , પરંતુ જ્યારે બધું તમારા કાબૂમાં કરવાનો ભાવ તમે સાવ છોડી દેશો ત્યારે જ તમે સાચા અર્થમાં મુક્ત થશો. તમારી ખાસ કશુંક બનવાની અને વિશિષ્ટ રુપે ઓળખાવાની ઇચ્છાઓ તમને ક્યારેય મુક્ત નહીં થવા દે અને તે તમને, તમારા અસ્તિત્વને વિશાળતાનો અનુભવ નહિ થવા દે!!