વૃંદા ભૂતા ની સફળતા ની વાર્તા - Success Story of Vrunda Bhuta

વૃંદાબેન માટે તેમના જીવનમાં આવેલા બદલાવને તેમના પરિવાર અને વડીલો દ્વારા હસતા મુખે  સ્વીકારવામાં આવ્યો અને તેમના પરિવારે તેમના પગલાને બિરદાવ્યો એ મહત્વનું  છે... 

આર્ટ ઓફ લીવીંગ(એઓએલ)ના ટીચર્સ અને ફોલોઅર્સ માટે વૃંદાબેન  ભૂતાનું નામ અજાણ્યું નથી કારણ કે દેશ અને વિદેશમાં એઓએલ ના વિવિધ કોર્સ લેવામાં કાર્યરત વૃંદાબેન લાંબા સમયથી ફૂલ ટાઇમ ટીચર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.તેઓ પ્રેમાળ,કરુણામય અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે.પોતાના જીવનમાં ચાલીસ પછીની ઉમ્મરમાં આવેલા વળાંક વિષે વૃંદાબેન લાગણીઓ સાથે વાત કરે છે... 

                ઘણા વર્ષો પહેલા રાજકોટમાં મારું બુટીક અગ્રેસર ગણાતું, વિદેશથી આવેલા લોકો પણ લગ્નની ખરીદી માટે મારા બુટીક પર આવતા.આ કારણથી મારા સ્વભાવમાં એક ખુમારી અને અહં આવી ગયા હતા.કોઈ ચોક્કસ કારણ ના હોવા છતાં પણ મને એમ લાગવા માંડ્યું હતું કે આખો સમય હું જે કરું છું જેમ કે બીઝનેસ અને તેમાં નામના મેળવવી, તેનાથી મારું મન કંટાળી ગયું છે ! મને તેમાં કાંઈ રસ ના રહ્યો અને હવે ઘણું થયું એવી લાગણી થવા માંડી હતી. 

 વૃંદાબેન વધુમાં જણાવે છે કે એ જ સમયગાળા દરમ્યાન મેં આર્ટ ઓફ  લીવીંગનો  કોર્સ કર્યો.મારી વિચારધારા બિલકુલ બદલાઈ ગઈ.વૃંદાબેન પોતાની વાત આગળ વધારતા કહે છે કે “ગુરુજીના તરફથી મળેલા જ્ઞાન તથા તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી મારા જીવનમાં એક નવી સફરની શરૂઆત થઇ.આર્ટ ઓફ લીવીંગમાં ટીચર્સ કોર્સ દ્વારા તાલીમ લીધી અને ત્યાર બાદ અવિરતપણે હું લોકોમાં એ જ્ઞાન વહેંચતી ગઈ કારણ કે લોકોમાં મનની શાંતિ મેળવવાની ઝંખના હોય છે.અને એમ કરતાં કરતાં એક સમય આવ્યો કે જયારે હું મારા અંતરમાં રહેલી માનવસહજ નકારાત્મક લાગણીઓમાંથી આપોઆપ મુક્ત થતી ગઈ. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી (ગુરુજી)ના આશીર્વાદ દ્વારા સાધના,સેવા અને સત્સંગની ત્રિવેણીએ મને આધ્યાત્મિક બળ આપ્યું. એનાથી  બિઝનેસમાં રહીને મને જે ભૌતિક આનંદ મળતો એના કરતાં અનેક ઘણા આનંદનો આંતરિક ખજાનો મળ્યો.લોકોમાં હું જે પ્રેમ અને શાંતિ વહેંચી શકું છું તે સંપૂર્ણપણે ગુરુજીના આશીર્વાદ,કૃપા અને પ્રેરણાથી જ શક્ય બને છે.હું જાતે કશું કરતી જ  નથી. 

              વૃંદાબેન હસતા મુખે કહે છે,” મેં મારામાં આવા બદલાવ વિષે જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું.મારો પરિવાર અને વડીલો હસતામુખે અને ગૌરવ સાથે મારા આ જીવનને બિરદાવે છે.આ પરિવર્તનમાં મહત્વની વાત એ છે કે મારા પતિ રાજેન ભૂતાના પ્રેમ અને અમુલ્ય સાથ  દ્વારા જ હું મારા ગુરુના જ્ઞાન સુધી પહોંચી શકી છું.” 

               વૃંદાબેન મંદ  મંદ મુસ્કુરાતા ચહેરે કહે છે,” આજે હું ૬૫ વર્ષની છું, પરંતુ  કુદરતની પણ મારી ઉપર અસીમ કૃપા છે જેનાથી મારી ઉમ્મર કે શારીરિક તકલીફો મારા ઉત્સાહ અને સંકલ્પની આડે આવતા નથી.પૂ. ગુરુજીના આશીર્વાદથી કોઈ દિવ્યશક્તિની મને મદદ મળી રહી છે કારણ કે મોટાભાગે હું રાજકોટની બહાર જ કોર્સ લેવા જઉં છું.”(મિત્રો,વૃંદાબેન વિષે એક ખાસ વાત એ છે કે તેઓ ૬૫ વર્ષની ઉમ્મર હોવા છતાં સૌરાષ્ટ્રના શહેરોમાં જયારે કોર્સ લેવા જાય છે ત્યારે જાતે ડ્રાઈવ કરીને જાય છે.) ગુરુજીનું એક સૂત્ર “મુસ્કુરાતે રહો” મારા કણ કણમાં વસી ગયું છે.પૂ. ગુરુજી હંમેશા કહે છે,” ફસો મત ફસાઓ મત, હંસતે રહો,હસાતે રહો ઔર સબકો પ્રેમસે ગલે લગાતે રહો.”જીવનમાં આ સ્ટેજ પર પહોંચીને આવા બદલાવ દ્વારા વૃંદાબેન અતૂટ આનંદ અનુભવે છે.તેઓ કહે છે,”કોઈ અભાવ નથી,કોઈ પ્રભાવ નથી,બસ છે તો માત્ર સ્વ-નો ભાવ!” 

               વૃંદાબેનને સફળતા વિષે પૂછતા તેઓ કહે છે,”મારી દ્રષ્ટિએ આ વળાંક સફળતા-નિષ્ફળતાનો નથી.પરંતુ આ ફક્ત ભક્તિમય સમર્પણ છે કારણ કે મારે ગુરુજીના જ્ઞાન અને પ્રેરણા દ્વારા સમાજમાં લોકોને મનની શાંતિનો માર્ગ ચીંધવો છે.હું શિબિર લઉં છું ત્યારે શિબિરાર્થીઓને મારી પ્રિય  એક શાયરી હંમેશા કહું છું

“સોચ બદલનેસે સિતારે બદલ જાતે હૈ       ,નજર બદલનેસે નજારે બદલ જાતે હૈ, 

કશ્તીયા બદલનેસે કુછ  નહિ હોતા,              દિશા બદલનેસે કિનારે બદલ જાતે હૈ”  

          મિત્રો,વૃંદાબેન આ જ્ઞાન અને કાર્યમાં મગ્ન છે અને તેમ છતાં તેઓમાં જરા પણ અહમ નથી.અને એક મુખ્ય વાત અહી કેમ ભૂલી શકાય?આ માર્ગ પર આગળ વધવા માટે  ઇચ્છાશક્તિ અને કર્મશીલ સાતત્ય જોઈએ જે વૃન્દાબેનમાં ચોક્કસ હશે,ત્યારે જ તેઓ આ માર્ગ પર આટલા આગળ વધીને એક મુકામ સુધી પહીંચી શક્યા છે જે ઘણા લોકો માટે પ્રેરણાદાયી બની  શકે છે.