ગરબો એટલે તો જાણે જીવનની વસંત... યૌવનની તાજગી આણી દેતો કળા અને ભક્તિનો સમન્વય...ગરબો
દિલ્હીમાં ૧૧-૧૨-૧૩ માર્ચે યોજાઈ રહેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટીવલ (વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ) નો ઉમદા હેતુ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને ઉજાગર કરવાનો છે, દુનિયાભરના વિવિધ દેશોના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમગ્ર વિશ્વમાં શાંતિ,ભાઈચારા તથા પ્રેમનો સંદેશો પાઠવવાનો છે. વિશ્વની અનેકવિધ સંસ્કૃતિઓને વૈવિધ્યપૂર્ણ કળાઓના માધ્યમ દ્વારા એક ફલક પર રજૂ કરી “વિવિધતામાં એકતા”ના તાદ્રશ દર્શન થશે.આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૫૫ દેશોમાંથી ૩૩,૦૦૦ કલાકારો પોતાની આગવી કળા રજૂ કરવાનો લાહવો લેશે !ખરેખર આ પ્રસંગ “ન ભૂતો ન ભવિષ્યતિ” બની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે આપણે એટલા નસીબદાર છીએ કે આવા ઐતિહાસિક મહોત્સવના સાક્ષી બની શકીશું.
ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો.તે તો ગુજરાતની ગરિમા અને અસ્મિતાનું પ્રતિક છે.ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ છે કે વર્લ્ડકલ્ચર ફેસ્ટીવલમાં ખેલૈયાઓ ગરબે ઝૂમી મહોત્સવમાં ચાર ચાંદ લગાવશે.
ગરબા થકી જે સામુહિક સાંસ્કૃતિક આનંદની લહાણી મળે છે તેની વિશ્વ સમક્ષ પ્રસ્તુતિ થશે. ગરબાના ૧૫૦૦ ખેલૈયાઓ ૩ મહિનાથી ઉત્સાહભેર તૈયારી કરી રહ્યા છે.કાર્યક્રમોની રજૂઆત માટેનું સ્ટેજ ૭ એકરનું છે! આવા અભૂતપૂર્વ પ્રસંગમાં સહભાગી થવા માટે સૌ થનગની રહ્યા છે.તો ચાલો આવા અનન્ય ગરબામાં મહાલવા થનગની રહેલા ખેલૈયાઓમાંથી કેટલાકના અનુભવ વિષે જાણીએ:
મધુબેન પટેલ : "ગરબે રમતા આનંદની અનુભૂતિ થાય છે,થાક નથી લાગતો ! અમારા સૌનો ઉત્સાહ વધી ગયો છે.વળી દરેક ખેલૈયામાં જાણે એક સુંદર કલાકાર રહેલો છે તેવો અનુભવ થાય છે. ગરબાની વિશિષ્ટતા પ્રમાણે અમારી અંદર રહેલી આદ્યશક્તિ દ્વારા કૃષ્ણરૂપી ચેતના સળવળાટ કરી રહી છે અને તેથી મન આનંદવિભોર થઇ જાય છે.એક અહોભાવની લાગણી થાય છે કે આવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સહભાગી થવાનો અનેરો લહાવો મળ્યો."
આશ્કા જાની : ”મારી નોકરીની જવાબદારી અને ગરબાની તૈયારીઓ...આ બધું એક સાથે કેવી રીતે પાર પડશે એવી વિમાસણ સાથે મેં ગરબાની જવાબદારી લઇ કામ કરવાનું શરુ કર્યું અને આપોઆપ બધું કોઈ પણ જાતના બોજ વગર ગોઠવાતું ગયું ! મારી અંદર રહેલી અનેક પ્રતિભાઓને બહાર આવવાનો મોકો મળ્યો.ગુરુ કૃપાનો અનુભવ થયો કે આપણે એક પગલું ભરીશું તો બાકીનું કામ તો એ કરી જ રહ્યા છે તેમજ એ કામનો યશ આપણને અપાવી રહ્યા છે."
ડીમ્પલ ભટ્ટ :”ગરબાની ટ્રેઈનીંગથી લઈને આયોજન સુધીની બધી જવાબદારી કેવી રીતે સહજતાથી સ્વીકારાઈ ગઈ તેનો ભાર પણ નથી લાગતો.મારી અનેક સીમાઓ તૂટી ! જેમ કે મારી કોમ્યુનીકેશન સ્કીલ તથા લીડરશીપની ક્વોલીટીમાં વધારો થયો. ગરબાની ટ્રેઈનીંગ આપતા આપતા મારી સર્જનાત્મક શક્તિમાં વધારો થયો. દરેક પળે જ્ઞાનને જીવવાનો મોકો મળ્યો.”
આવા અનેક અનુભવો ને તાદ્રશ કરતી, ગુજરાતીઓના ઉત્સાહને પોષનારી એમની પોતીકી કળા છે. તો આવો
માણીએ એક ગરબો...
આ ગરબાની મજા માણવા ચાલો દિલ્હી ...... વધુ વિગત માટે : ૮૧૫૬૦૦૦૮૭૦