વૈશ્વિક સંસ્કૃતિક ઉત્સવ ૨૦૧૬ માં ગુજરાતનું ગૌરવ - ગરબો

ગરબો એટલે ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા,અસ્મિતા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ. ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું અભિન્ન અંગ  છે. કહેવાય છે કે “દીપગર્ભો ઘટ:”.“દીપગર્ભો” માંથી દીપ શબ્દનો લોપ થઇને “ગર્ભો” અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થયો.  ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને ચારેબાજુ છીદ્રો પડાવીએ એટલે તેને ગરબો કોરાવ્યો છે એમ  કહેવાય. નવરાત્રિના પર્વમાં એ શક્તિ સ્વરુપાના આહ્વાન અને સ્થાપન રૂપે ભક્તિનું કેન્દ્ર થઇ પૂજવા યોગ્ય બની જાય છે. ગરબામાં સ્ત્રીઓ વર્તુળાકારે તાલમાં તાળી દઇને રમે, કોઇ કોઇ વળી માથે દીવડાઓની માંડવડી મૂકીને ઘૂમે...  કહેવાય છે કે આવી જ રીતે પ્રાચીનકાળમાં તેનો પ્રારંભ થયો હતો. આમ,નાના નાના છીદ્રોવાળા માટીના ઘડામાં દીવડો પ્રગટાવીને માતાજીના સ્વરૂપે સ્થાપવામાં આવતી એક પરંપરા એટલે ગરબો. જાણે શરીર રૂપી ઘટમાં આતમ રૂપી પ્રકાશથી ઝગમગતું ચૈતન્ય. 

ગરબાનું મૂળ ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલામાં છે એમ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ “રાસેશ્વર” છે. પૌરાણિક કથાઓ  મુજબ શરદઋતુમાં ગોપીઓ શ્રીકૃષ્ણને રાસ રમવાની વિનંતી કરે છે ત્યારે રચાય છે તે “હમચી”... “હિંચ” અને “હમચી” એ બન્ને નૃત્યના પ્રકાર છે. “હમચી ખૂંદવી” અને “હિંચ લેવી” એટલે જેમાં પુરુષો અને સ્ત્રીઓ  હાથની તાળીઓ અને પગના ઠેકા સાથે વર્તુળાકારે ઘૂમે છે. રાસના ત્રણ ભેદ પણ છે... “લતા રાસક” બે-બેના યુગલમાં લતા અને વૃક્ષની જેમ વીંટળાઇને રચાતો રાસ...  “દંડ રાસક” કે જેને દાંડિયા રાસ કહે છે તે  અને “મંડલ રાસક” ... જેને “તાલી રાસક”, “તાલ રાસક” કહે છે... તે ગરબા રૂપે અવતરીત થયો હોવાનું અનુમાન છે. 

આમ કૃષ્ણભક્તિ અને આદ્યશક્તિની આરાધનામાં ઘણું બધું સામ્ય છે. ધર્મ બન્નેના કેન્દ્રમાં છે. વર્તુળાકારે સામૂહિક નૃત્ય પણ સમાન તત્વરૂપે છે. બન્ને પરફોર્મિંગ આર્ટસ છે... લય, તાલ,સૂર, સંગીત અને નર્તનથી જીવનને ઉત્સવમય બનાવનારાં છે. 

ગરબામાં ભાર વિનાનું ચિંતન... મોરના પીંછા જેવી હળવાશ છે, તો રાસમાં ગાયનમાં ઉછળતા થનગનાટ અને ચાપલ્યની વિશેષતા જોવા મળે છે.  

રાસ અને ગરબા બન્નેની સાથે સામાન્ય રીતે ઉલ્લાસ અને આનંદનું તત્વ સંકળાયેલું હોય છે. એક કળાસ્વરૂપે ગરબો “વાળ્યો વળી શકે” એવો કલા પ્રકાર છે. જો ગરબો હિંચ કે ખેમટો રાગમાં હોય તો છ માત્રામાં, કેરવો હોય તો આઠ માત્રામાં ને દીપચંદી હોય તો ચૌદ માત્રામાં લેવામાં આવે છે. પહેલાં સારંગ, ભૈરવ કે મ્હાડ રાગ પર આધારીત ગરબાઓ વધારે ગવાતા હતા... હવે તો બધા જ રાગોમાં ગરબાનું સંગીત-નિયોજન થતું જોવા મળે છે. 

ગરબો એ સામૂહિક સાંસ્કૃતિક આનંદનું સર્વોત્તમ માધ્યમ છે. એક એક ગુજરાતીને ગરબા સાથે  શરીર અને પ્રાણ જેવો પ્રગાઢ સંબંધ છે. ગરબો એટલે તો જાણે જીવનની વસંત...  યૌવનની તાજગી આણી દેતો કળા અને ભક્તિનો સમન્વય...ગરબો આવી અનેક ઉપમાઓને તાદ્રશ કરતી, ગુજરાતીઓના ઉત્સાહને પોષનારી એમની પોતીકી કળા છે. તો આવો માણીએ એક ગરબો...