સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય જ ના હોત. અને એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે—જે આપણા પૃથ્વિ ગ્રહ પર તમામ પ્રાણઊર્જાનું મુખ્ય કારણ છે. સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનીઓ દ્વારા નિશ્ચિત કરાયેલા ૧૨ આસનોનો સમૂહ છે. જે શરીર,શ્વાસ અને મનને સાથે લાવે છે—તમને ધ્યાનની ગહેરાઈમાં જવામાં સહાય કરતું પગલું છે.
સૂર્ય નમસ્કારના આસનો “વોર્મ અપ” એટલે કે "હળવો વ્યાયામ" અને આસનો વચ્ચે એક સુંદર કડી જેવા છે અને જયારે તમારું પેટ ભરેલું ના હોય તેવા વખતે ગમે ત્યારે તે કરી શકો છો. છતાં, સૂર્ય નમસ્કાર માટે સવારનો સમય શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શરીરને ફરીથી ઊર્જાન્વિત અને મનને તારોતાજા કરે છે, દિવસના બધા કામ કરવા આપણને તૈયાર કરે છે.જો બપોરે કરવામાં આવે તો તે શરીરમાં ત્વરિત ઊર્જાનો સંચાર કરે છે અને જો સંધ્યા ટાણે કરવામાં આવે તો તમારો થાક દૂર કરે છે. જો ઝડપથી કરવામાં આવે તો સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે એક ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે.
શા માટે દિવસની શરૂઆત સૂર્ય નમસ્કારથી કરવી?
સૂર્ય નમસ્કારના આસનો ઊર્જા આપે છે,ધ્યાન કરતાં હોઈએ તેવું લાગે છે અને વિશ્રામ આપે છે. તેઓ શરીરને સહેલાઈથી વળી શકે તેવું બનાવે છે તથા રુધિરાભિસરણ સુધારે છે.બહેતર રુધીરાભીસરણને લીધે વાળ ધોળા થતાં,ખરતાં તથા ખોડો થતા અટકે છે તથા વાળના વિકાસને એકંદરે સુધારે છે.રુધિરાભિસરણ બહેતર થતા અગત્યના આંતરિક અંગો વધારે કાર્યાન્વિત થાય છે તથા શરીરના ત્રિદોષ –વાત,કફ અનેં પિત્તને સમતુલીત કરે છે.
શા માટે બાળકોએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ?
સૂર્ય નમસ્કાર મનને શાંત કરે છે અને એકાગ્રતા વધારવામાં સહાય કરે છે. આજે બાળકો ગળાકાપ સ્પર્ધાનો સામનો કરતા હોય છે, માટે તેમના રોજીંદા નિત્યક્રમમાં સૂર્ય નમસ્કારનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તે સહનશક્તિ વધારે છે અને ખાસ કરીને પરીક્ષા વખતે ચિંતા તથા અજંપો ઓછો કરે છે. સૂર્ય નમસ્કારના નિયમિત મહાવરાથી શરીરને તાકાત તથા જીવંતતા મળે છે.અંગ કસરતોમાં નિષ્ણાત બનવાની ઈચ્છા રાખનાર માટે તે સ્નાયુઓને મજબૂત કરવા અને કરોડ તથા હાથ પગની નરમાશ વધારવા માટે શ્રેષ્ઠ કસરત છે.પાંચ વર્ષની ઉમરના કે તેથી વધુ ઉંમરના બાળકો રોજ સૂર્ય નમસ્કાર કરવાનું શરુ કરી શકે છે.
શા માટે સ્ત્રીઓએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ?
એવું કહેવાય છે કે તંદુરસ્તીમાં સુધારો લાવવા માટે મહિનાઓ સુધી કરેલા આહાર નિયંત્રણથી જે નથી થઇ શકતું તે સુધારો સૂર્ય નમસ્કારના અભ્યાસ દ્વારા સહેલાઇથી મેળવી શકાય છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત સ્ત્રીઓ માટે તે આશિર્વાદ છે કારણ કે તે માત્ર વધારાની કેલરી બાળવામાં જ સહાય કરે છે એવું નથી પરંતુ પેટના સ્નાયુઓને કુદરતી રીતે ખેંચાણ આપીને શરીરને સુડોળ રાખવાનો સરળ અને સોંઘો માર્ગ છે. સૂર્ય નમસ્કારના કેટલાક આસનો ધીમું કામ કરતી ગ્રંથી,જેવી કે થાયરોઈડને (જેની આપણા વજન પર મોટી અસર છે) ઉત્તેજિત કરીને અંતઃસ્ત્રાવનું ઉત્પાદન વધારી પેટ પરની વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી સ્ત્રીઓમાં ઋતુચક્રની અનિયમિતતાનું નિયંત્રણ થાય છે અને બાળકનો પ્રસવ પણ સરળતાથી થવાની ખાતરી મળે છે. આ ઉપરાંત, તે તમારા ચહેરા પરની ચમક પાછી લાવવામાં,કરચલી પડવાની શરૂઆત રોકવામાં અને તેને યુવાન તથા ચમકીલો બનાવવામાં સહાય કરે છે.
સૂર્ય નમસ્કારથી તમારી સ્ફૂરણા શક્તિનો વિકાસ કરો
આપણા પ્રાચીન ઋષીઓ કહેતા કે જૂદા જૂદા ભગવાન આપણા શરીરના જૂદા જૂદા અંગોનું સંચાલન કરે છે. નાભિ એટલે કે સૂર્યચક્ર સૂર્ય સાથે સંકળાયેલું છે એવું કહેવાય છે. આથી જ યોગીઓ સવારે સૂર્ય નમસ્કાર કરવાની ભલામણ કરે છે કે જયારે વિટામીન ડી થી ભરપૂર સૂર્યના કિરણો સૂર્યચક્ર પર પડી શકે. સૂર્ય નમસ્કાર અને ધ્યાન નિયમિત કરવાથી સૂર્યચક્ર બદામના કદથી મોટું થઈને હથેળીના જેટલું મોટું થાય છે. સૂર્યચક્રનું આવું વિસ્તરણ, કે જે બીજા મગજ તરીકે પણ ઓળખાય છે, તે આપણી સ્ફૂરણા શક્તિઓનો વિકાસ કરે છે અને આપણને વધુ સ્પષ્ટ તથા કેન્દ્રિત બનાવે છે. જ્યારે બીજી બાજુએ સૂર્યચક્રનું સંકુચિત થવું નિરાશા અને બીજા નકારાત્મક વલણો આણે છે.
સૂર્ય નમસ્કારના અનેક ફાયદા શરીરને તંદુરસ્ત અને મનને શાંત રાખવામાં સહાય કરે છે. આમ, બધા યોગ ના નિષ્ણાતો સૂર્ય નમસ્કાર નિયમિત રીતે કરવની ખાસ ભલામણ કરે છે. સૂર્ય નમસ્કારની આ સૂચનાઓ તમારા અભ્યાસને વધારે સારો કરવામાં અને વધુ સારા પરિણામો મેળવવામાં સહાય કરી શકે છે.
યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલા આર્ટ ઓફ લીવીંગના યોગ ના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ જારી રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો.તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગના કેન્દ્ર માં આર્ટ ઓફ લીવીંગ યોગના કોર્સ વિષે માહિતી મેળવો. શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમારા મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ? અમને info@artoflivingyoga.in પર લખો.