ગર્ભાધાન પોતાની સાથે રોમાંચ તથા શરીર અને મનમાં અનેક પરિવર્તનો લઈને આવે છે. આ અદભૂત સમયને વધારે ખુશી અને અનુકુલન સાથે માણી શકાય તે માટેના કેટલાક સૂચનો અહીં પ્રસ્તુત છે.
તો, અહીં એક ખુશખબર છે: તમે ગર્ભવતી છો! અને તમે ચોક્કસ ખુબ રોમાંચ અનુભવો છો. તમારામાં આકાર લઇ રહેલા એક નવા જીવનની લાગણી અવર્ણનીય છે. આ તો ઉજવણીનો અને તમારી દુનિયામાં આ નાનકડાને આવકારવાનો સમય છે. ખેર, આ એ પણ સમય છે જ્યારે શારીરિક અને ભાવનાત્મક -- બંને પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે. દરેક અઠવાડીએ શિશુ વિકાસ પામી રહ્યું છે અને આનો અનુભવ એક ખુશીની લાગણી છે. સાથે સાથે જ, દરેક અઠવાડીએ નવા વિકાસના તમે સાક્ષી છો—તેમાં કેટલાક રસપ્રદ તો કેટલાકને નીપટવા અઘરા છે.
જો બધા પરિવર્તનોને તમે ખુશીથી સ્વીકારી શકો અને તમારા જીવનની આ સુંદર પળોને તમે મહત્તમ માણી શકો એવું થાય તો કેવું? હા, થોડીવાર માટે તમે આંખો બંધ રાખીને બેસો તો આવું શક્ય છે.આ એટલું સરળ છે. તમારા ગર્ભાધાનના દરેક ત્રણ મહિનાના ગાળામાં થતા વિવિધ વિકાસને જોઈએ અને એમને કેવી રીતે બહેતર રીતે જીવી શકાય તેના કેટલાક સુચનો આપીએ.
પહેલો ત્રિમાસિક ગાળો
તમારી સાથે શું થઇ રહ્યું છે:
તમારા શરીરમાં અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થઇ રહ્યા છે.આથી તમને “મોર્નિંગ સીકનેસ” , છાતીમાં બળતરા, કબજીયાત, ક્યારેક ચક્કર પણ આવે છે. કદાચ એવું પણ બને કે જે વાનગીઓ તમને ખુબ પસંદ હતી તેમને માટે અણગમો થઇ જાય છે!
અમારા સૂચનો:
આ સમયે ધ્યાન સૌથી વધારે સહાયરૂપ થઇ શકે છે. આ એક સ્વાસ્થ્યપ્રદ પ્રક્રિયા છે જે તમારામાં પ્રાણઊર્જાનો વધારો કરવામાં સહાય કરે છે,ખાસ કરીને જયારે તમને માનસિક અસ્થિરતા અને ઊર્જાનો અભાવ લાગતો હોય ત્યારે. આ એ પણ સમય છે જયારે તમારા શરીરને શિશુના વિકાસ માટે સૌથી વધારે ઊર્જાની જરૂર છે અને તમને ઊર્જાના એક કુદરતી સ્રોત તરીકે ધ્યાન પ્રાપ્ય છે.
ઉપરાંત, જયારે તમે ધ્યાન કરો છો ત્યારે તમારું શરીર કુદરતી રીતે એવા આહાર પસંદ કરવા માંડે છે જે જીવનને પોષતા હોય. દરરોજ ધ્યાન કરવાથી એક સમય એવો આવશે જયારે તમને બિનસ્વાસ્થ્યપ્રદ કે જંક ફૂડ માટેનો અણગમો થવા માંડશે. તમારા બાળક માટે આ બિલકુલ સારું છે.
રોજ ધ્યાન કરનાર મેઘના કાલતા જણાવે છે,” મારી સગર્ભાવસ્થા દરમ્યાન “ સળંગ યોગ અને ધ્યાન મારા હાથવગા સાધનો હતા. આ સમયગાળામાં સ્ત્રીઓને અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે, પણ મને ફળો – નારંગી, કેરી અને બીજા પૌષ્ટિક આહાર માટેની ઈચ્છા થતી હતી. મારું શરીર ચિપ્સ કે બીજા જંક ફૂડને સંપૂર્ણ નકારી કાઢતું.”
તમારા શિશુ સાથે શું થઇ રહ્યું છે:
ગર્ભસ્થ શિશુ ધીરે ધીરે વિકાસ પામી રહ્યું છે—વાળ,નખ,આંખો,કાન,સ્વર તંતુઓ અને સ્નાયુઓ બનવાના શરુ થયા છે.
અમારાં સૂચન:
આ સમયે કે જયારે શિશુના કાન વિકાસ પામી રહ્યા છે ત્યારે જપ કે હળવું સંગીત જેમ કે વિણાવાદન સાંભળવું અને સારા આનંદદાયક પિકચરો જોવા.આ બધાંની તમારા બાળકના ચેતાતંત્ર પર પણ અસર પડે છે.
તમારા ગર્ભાધાનના પહેલા બે ત્રિમાસિક ગાળા દરમ્યાન તમે થોડા યોગાસનો પણ કરી શકો છો. તે તમને ગર્ભાધાનના ચિહ્નોમાં રાહત માટે તથા સરળ પ્રસવ માટે સહાયરૂપ થઇ શકે છે. માર્જરાસન, ત્રિકોણાસન,પવનમુક્તાસન એ કેટલાંક ઉદાહરણો છે.(સગર્ભાવસ્થા દરમ્યાન કરી શકાય તેવા વધારે આસનો જુઓ). અલબત્ત,પોતાનીમેળે આ આસનો કરતાં પહેલા તમારા ડોક્ટરની અવશ્ય સલાહ લો.
આહાર માટેના સુચન:
પહેલા મહીને – ઠંડુ દૂધ પીઓ,ખાટા તીખા આહાર ત્યજો અને સહેલાઈથી પચી જાય તેવા આહાર લો. જો કબજીયાત(સગર્ભાવસ્થા દરમ્યાન સામાન્ય રીતે થતી સમસ્યા) હોય તો મૃ દુ અનુલોમન કે માત્રાવસ્તી જેવી આયુર્વેદિક દવાઓ લો.
કોઈ પણ દવા શરુ કરતાં પહેલા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
બીજા મહીને – આખા દિવસ દરમ્યાન અવારનવાર થોડા થોડા પ્રમાણમાં પૌષ્ટિક આહાર લો અને ફળોના રસથી ઉલટી થઇ શકે છે માટે તે ત્યજો.દૂધ,ભાત,નાળિયેરનું પાણી,ભાતનું ઓસામણ,ખીર અને ઘી લેવા સારા છે.
.
બીજો ત્રિમાસિક ગાળો
સ્વાસ્થ્યસભર સગર્ભાવસ્થા માટે ઝડપી ધ્યાન માટેના સૂચનો
- તમારી રોજની દિનચર્યામાં સમય ફાળવો.બહેતર પરિણામ મેળવવા રોજ લગભગ એક ચોક્કસ સમયે ધ્યાન કરવું હિતાવહ છે
- સવારે,સવારનું જમતા પહેલાં, કે સાંજે.જ્યાં તમને વિક્ષેપ પડવાની સંભાવના ના હોય તેવી શાંત અને અનુકૂળ જગ્યા પસંદ કરો
- તમને ચિંતા થતી હોય કે મૂડમાં પરિવર્તનો થઇ રહ્યા હોય તો થોડી મિનીટ ધ્યાનમાં બેસો, તે મનને શાંત કરવામાં મદદ કરશે.
- જપ કરતી વખતે કે વાદ્ય સંગીત સાંભળતી વખતે આંખો બંધ રાખો.આવા સમયે આપોઆપ ધ્યાન થઇ જાય છે.
તમારી સાથે શું થઇ રહ્યું છે:
હવે તમારી અંદર શિશુનું હલનચલન શરુ થઇ ગયું છે અને માટે તમને અંદર “બટર ફ્લાય સેન્સેશન “ થતા જણાશે.શરીરમાં મુખ્યત્વે અંતઃસ્ત્રાવોમાં ફેરફારથી તમને વારંવાર મૂડમાં પરિવર્તન અને લાગણીઓના ઉભરા આવતા જણાશેy.
અમારા સુચન:
આવા સમયે કે જ્યારે તમને વારંવાર મૂડમાં પરિવર્તન થઇ જાય છે ત્યારે તમારામાં આવા ફેરફારને ધીરજ અને કાળજીથી સંભાળ લેવાય તેવી તમારા પતિની તૈયારી હોવી જરૂરી છે.ખરેખર, દરરોજ થોડી વાર સાથે બેસીને ધ્યાન કરવું ફાયદાકારક રહેશે.તમારા બંન્નેમાં એનાથી શાંતિ તથા સંવાદિતા આવશે અને તમને લાગણીઓના ઝોલાને તાબે થતાં પણ રોકશે..
તમારા શિશુ સાથે શું થઇ રહ્યું છે:
શિશુની સંવેદનાઓનો વિકાસ શરુ થઇ રહ્યો છે, તે ગર્ભાશયમાં હેડકી અને બગાસા પણ ખાઈ શકે છે!
અમારા સુચન:
હવે તમને થતી દરેક લાગણી તમારું શિશુ અનુભવી શકે છે,માટે તમારે માટે ખુશ,વિશ્રામમાં અને શાંતિપૂર્ણ રહેવું ખુબ જરૂરી છે. તમને જેવી લાગણી થાય છે તેના સ્પંદનો શિશુ આપોઆપ ગ્રહણ કરે છે.ખાસ આ સમયે તમારા અને શિશુ બંને માટે સહજ સમાધિ ધ્યાન સારું છે. હકીકતમાં સગર્ભાવસ્થા દરમ્યાન તમે રોજ સહજ મંત્ર વડે ત્રણ થી ચાર વાર ધ્યાન કરી શકો છો.
ત્રીજો ત્રિમાસિક ગાળો
તમારી સાથે શું થઇ રહ્યું છે:
મહત્વના પરિણામજન્ય દિવસ પહેલાનો આ આખરી સમયગાળો અને સૌથી પડકારજનક પણ.તમે જાડા થશો એટલે થોડું બિનઅનુકૂળ લાગશે.આ સમય દરમ્યાન વજનમાં ઘણા વધારાથી અને જન્મ લેવાની તૈયારી કરવા શિશુ જે સ્થિતિમાં ફરે છે તેનાથી તમને પેડુમાં તથા પેડાના હાડકાં પર ખેંચાણ લાગશે.તમારી કમર પણ દુખશે અને તમને હલનચલન કરવામાં મુશ્કેલી પડશે..
અમારા સુચન:
ધ્યાન માત્ર મનને શાંત કરે છે અને લાગણીઓને સંભાળવામાં મદદ કરે છે એટલું જ નથી,પરંતુ તે શરીરને વિશ્રામ આપવા માટેનો ઉત્તમ માર્ગ છે.કરોડરજ્જુ પર થતા દબાણને હળવું કરવામાં તે મદદ કરે છે.આથી તમારા ગર્ભાધાનના આ અંતિમ તબક્કામાં તમને વધારે આરામદાયી લાગી શકે છે.ઉપરાંત, પ્રસવ દરમ્યાન તમે સુદર્શન ક્રિયા કે જે શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રસ્તુત કરાયેલી વિશિષ્ટ શ્વાસોચ્છવાસની ક્રિયા છે, તે કરી શકો છો.તે માતા અને બાળક બંન્ને માટે પ્રસવની પ્રક્રિયા સરળ બનાવવામાં ખૂબ મદદ કરી શકે છે.
જેમ જેમ નિશ્ચિત તારીખ નજીક આવે છે તેમ તેમ તમારામાં અને તમારી આજુબાજુના લોકોમાં ઉત્તેજના ઉત્પન્ન થવા માંડે છે.નવા આગંતુક બાબતે તમારૂ કુટુંબ એટલું જ ઉત્તેજિત થાય છે. પરંતુ, ક્યારેક આ બધી પ્રસન્નતાની વચ્ચે થોડા તાણ અને તણાવ આવવાના શરુ થઇ શકે છે.અહીં પણ ધ્યાન ખૂબ સહાયરૂપ થઇ શકે છે. તમારા પ્રિય સભ્યો સાથે બેસીને ધ્યાન કરવું એ સારો ઉપાય છે,વધારે લોકો સાથે બેસીને કરવાથી વધારે સારું પરિણામ મળે છે.તે દરેક જણને આરામદાયી અને ખુશ રાખવામાં તથા સાથો સાથ શું અને કેવી રીતે કરવું તે વિષે સચેત તથા જાગૃત રાખવામાં સહાય કરશે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે વાનગી
ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે લાડૂ
અન્જીર -૨૫૦ ગ્રામ
જરદાલુ -૨૫૦ ગ્રામ
કાળી ખજુર – ૨૫૦ ગ્રામ
બદામ-૧૦૦ ગ્રામ
પીસ્તા (સાદા)-૧૦૦ ગ્રામ
કાકડીના બી -૧૦૦ ગ્રામ
સૂર્યમુખીના બી-૧૦૦ ગ્રામ
કોળાના બી-૧૦૦ ગ્રામ
ટેટીના બી-૧૦૦ગ્રમ
અખરોટ-૧૦૦ ગ્રામ
ચારોળી-૫૦ ગ્રામ
જાયફળ -૩ નંગ
ઈલાયચી-૨૫ ગ્રામ
કેસર- ૨ ચુટકી
અંજીર,કાળી ખજુર અને જરાદાલુંને ઝીણા સમારો.બદામ,પીસ્તા,કાકડી,સૂર્યમુખી,કોળા અને ટેટીના બી,અખરોટ,ચારોળી, ઈલાયચી અને જાયફળને વાટી લો.બધું મિક્ષ કરો,તેનો લોટ બાંધો અને એક પ્લેટ પર પાથરી દો.તેને ચોરસ ટુકડામાં કાપી દો.રોજ સવારે હૂંફાળા દૂધ સાથે એક ચકતું ખાવ.
સહજ સમાધિના શિક્ષક ભારતી હરીશ તથા આયુર્વેદ નિષ્ણાત ડોકટર વિદ્યાના સૂચનો પર આધાર રાખીને પ્રીતીકા નાયર દ્વારા લિખિત
વાનગી આયુર્વેદીક આહારના નિષ્ણાત કૌશાની દેસાઈ દ્વારા.
ગ્રાફિક્સ વર્ષા સક્સેના દ્વારા.